મિનિટમાં જ આખો પરિવાર ઉજડી ગયો બે દીકરી સહિત પત્ની ના કમકમાટીભર્યા મોત, પિતાએ રડતા રડતા કહ્યું નાની દીકરી તો મારો કાળજાનો કટકો હતી…
ધ્રુજતા અવાજે આગળ બોલતા વિપુલભાઈ મિસ્ત્રી કહે, ‘મારી નાની દીકરી જિયાને કેડબરી આપી અને રિક્ષાચાલક યાસીનભાઈને મસાલો ખવડાવ્યો. પછી પત્નીને ઘરની ચાવી આપીને હું બાઈક પર તારાપુર જવા નીકળ્યો અને તેઓ ઘરે જવા નીકળ્યા, પણ મને ક્યાં ખબર હતી કે મારા પરિવાર સાથેની આ મારી છેલ્લી મુલાકાત છે.’
વિપુલભાઈ મિસ્ત્રી એ હતભાગી છે, જેમનો આખો પરિવાર અકસ્માતમાં ઉજડી ગયો. રક્ષાબંધનના દિવસે 11 ઓગસ્ટના રોજ આણંદના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના જમાઈએ નશાની હાલતમાં પોતાની કારથી રિક્ષા અને બાઇકને ઠોકર મારી હતી, જેમાં વિપુલભાઈ મિસ્ત્રીનાં પત્ની વીણાબેન, દીકરીઓ જાનવી અને જિયાનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
વીણાબેન તેમના ભાઈને રાખડી બાંધીને બે દીકરી સાથે ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ સિવાય આ અકસ્માતમાં રિક્ષાચાલક યાસીનભાઈ સહિત કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માતમાં આખો પરિવાર ગુમાવનારા મધ્યમવર્ગીય મિસ્ત્રી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક જ ઘરમાંથી એક સાથે ત્રણ-ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નીકળતાં સોજીત્રા હિબકે ભરાયું હતું અને હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
તેમણે ધીમા અવાજે વાત કરતાં કહ્યું, ‘મારે બે દીકરીઓ જાનવી અને જિયા હતી. મારે તો પુત્ર હતો નહીં. તેથી મોટી દીકરીને IELTSના ક્લાસ કરીને વિદેશમાં ભણવા મોકલવી હતી. મારે તો દીકરો ગણો કે દીકરી ગણો એ જ હતી. એક બ્યૂટી પાર્લરની સંસ્થામાં તેની 1,30,000 રૂપિયા ફી મેં ભરી હતી. જેનું આ 15મીએ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ આવવાનું હતું.
જાનવીએ બે વર્ષ ડિપ્લોમા પણ કર્યું હતું, જેમાં તે બન્ને વર્ષે ફર્સ્ટક્લાસ આવી હતી. જ્યારે નાની દીકરી જિયા ડ્રોઈંગમાં નંબર વન હતી. મારી પત્ની મારા બંને બાળકો અને મારા ઘરને એકદમ સારી રીતે સંભાળતી હતી. એ પર્ફેક્ટ ગૃહિણી હતી. મારી બંને દીકરીઓને આ લેવલ ઉપર લઈ આવી હતી. સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેમના ભત્રીજા સાગર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘પરિવાર સોજીત્રા ખાતે રહે છે.
કાકા વિપુલભાઈ વ્યવસાયે સુથારીકામ કરે છે અને કાકી ઘરે સીવણકામ કરતાં હતાં. તેમનું ઘર પણ ભાડાનું હતું. બહેન જાનવી (20)એ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. તેને સિવિલ એન્જિનિયર બનવું હતું, તેનાં સપનાં તૂટી ગયાં. તેની સાથે જ અમારાં સપનાં પણ તૂટી ગયાં. નાની બહેન જિયા (14)ને પણ ડૉક્ટર બનવું હતું.
મારા મમ્મી ઘણા સમયથી બેડ રેસ્ટ પર છે એમને જોઈને જિયા જ્યારે પણ ઘરે આવતી ત્યારે કહેતી કે ‘મોટા મમ્મી હું મોટી થઈને ડોક્ટર બનીશ અને તમારી સારવાર કરીને તમને ઉભા કરી દઈશ.” વધુમાં તેમણે કહ્યું હતું, ‘અકસ્માત બાદ કારચાલક ચિક્કાર નશામાં જોવા મળ્યો હતો અને એના વીડિયો પણ ફરતા થયા છે. અકસ્માત સર્જનાર કારચાલક સોજીત્રા વિધાનસભાના MLA પૂનમભાઈ પરમારનો જમાઈ હતો.
તેણે અમારા ફૂલ જેવા પરિવારને ઉજાડી નાખ્યો. આવા લોકોને લીધે હું રક્ષાબંધનના દિવસે જ મારી બે બહેનોને ખોઈ બેઠો.’ તેમણે કહ્યું, ‘આરોપી એટલો નશામાં હતો કે તેની પત્ની ઘરે હતી છતાં તેને ઘટનાસ્થળે શોધતો હતો. તેને કોઈ જાતની સેન્સ જ નહોતી. તે પોતાની પત્નીને તારાપુર લેવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તેની પત્ની તારાપુરમાં હતી. એમ છતાં પત્નીને ઘટનાસ્થળે શોધતો હતો. એનો રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં તે આલ્કોહોલ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.’