વાવાઝોડુ અસાની આંધ્ર પ્રદેશ આજુ આગળ વધી રહ્યું છે, ભારતીય હવામાન વિભાગે મંગળવારના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી દીધી છે, વાવાઝોડાને ધ્યાનમાં લઇને, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન તેમજ પૂરને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડુ અસાનીથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે એનડીઆરએફની કુલ ૫૦ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
એનડીઆરએફના પ્રવક્તાએ એવું કહ્યું કે વાવાઝોડાને ધ્યાને રાખીને ૫૦ ટીમોમાંથી ૨૨ ટીમને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તહેનાત કરવામાં આવી છે અને બાકીની ૨૮ ટીમોને અન્ય રાજ્યોમાં એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. પ્રવક્તાએ એવું કહ્યું કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૧૨ ટીમો, આંધ્ર પ્રદેશમાં નવ અને ઓડિશાના બાલાસોરમાં એક ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.
*વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમા લોકોને બચાવવા માટે અને રાહત કામગીરી શરૂ કરવા માટે સામાન્ય રીતે ૪૭ કર્મચારીઓ ધરાવતી એનડીઆરએફ ટીમ વૃક્ષ કાપવાના સાધનો, સંચાર પ્રણાલીના સાધનો, રબર બોટ અને મૂળભૂત તબીબી સહાયથી એકદમ સજ્જ હોય છે. ભારતીય હવામાન વિભાગ ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એવું જણાવ્યું હતું કે વાવાઝોડુ પહેલાથી જ તીવ્રતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયેલું છે અને હવે તે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તીવ્ર ચક્રવાતી તોફાન બુધવારના રોજ નબળું પડીને વાવાઝોડામા પરિણમશે અને ગુરુવારે ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ જશે.
આઈએમડીએ આંધ્રના તટ માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.*
જો કે, અસાની લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી રહેલી છે. આસાની પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે, જે દિવસ દરમિયાન ૨૩ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અસાની વાવાઝોડુ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર બપોરે ૨.૩૦ વાગ્યે કાકીનાડાના ૨૧૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, વિશાખાપટ્ટનમ થી ૩૧૦ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, ગોપાલપુર(ઓડીશા)થી ૫૯૦ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.
વાવાઝોડુ અસાની લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવ લાગે અને બુધવારની સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી કાકીનાડા-વિશાખાપટ્ટનમ દરિયાકિનારાની નજીક પહોંચે તેવી સંભાવના રહેલી છે, એવું આઈએમડી બુલેટિનમાં જણાવાયું છે. ત્યારબાદ, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ધીમે ધીમે વળવા લાગશે અને કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આગળ વધે અને પછી ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારેથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તરફ ફંટાય તેવી સંભાવના રહેલી છે. તે ધીમે ધીમે નબળુ પડવાની શક્યતા રહેલી છે. બુધવારની સવાર સુધીમાં અને ૧૨ મેની સવાર સુધીમાં વાવાઝોડુ અસાની વધારે નબળું પડી જશે.
આઈએમડીએ ઉચા મોજા ઉછળવાની આગાહી કરેલી છે, જે આંધ્ર પ્રદેશના કૃષ્ણા, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી અને વિશાખાપટ્ટનમ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા રહેલી છે. માછીમારોને મંગળવાર અને બુધવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં માછીમારીની કામગીરીને સંપૂર્ણ સ્થગિત કરવાની ચેતવણી આપી દેવામાં આવી છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં આ ચેતવણી ૧૨ મે સુધી ચાલતી રહેશે.