અમદાવાદ સિવિલમાં ૫૦મું ઐતિહાસિક અંગદાન, બ્રેઈન ડેડ દર્દીની કિડ, ફેફસાં સહિત 5 અંગોનું દાન કર્યું

​​​​​​​એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્થિત છે જ્યાં આજે ઐતિહાસિક ૫૦મું સફળ રીતે અંગદાન થયું છે. ગાંધીનગરના રહેવાસી ૨૭ વર્ષીય તેજલ બા ઝાલા બ્રેનમાં હેમરેજ થવાથી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યાંના તબીબોએ તેઓને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા તેમના પરિવારને અંગદાન અંગે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને સિવિલમાં ૫૦મું ઐતિહાસિક સફળ અંગ દાન થયુ હતું.

બ્રેઈન ડેડ તેજલ બા ઝાલાના ઘણા અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં બે ફેફસાં, લીવર, કિડની, સ્વાદુપિંડ એમ કુલ ૫ ઓર્ગન મળ્યા હતા. જે જરૂરિયાત મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી અને નવ જીવન આપ્યું હતું. સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓ (સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

પરિવારજનોએ વિચાર-વિમર્શ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તબીબોને દાન માટે સહમતિ દર્શાવવામાં આવી હતી. ટીમ દ્વારા અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરાતા તેમાં સફળતા હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં ઐતિહાસિક દિવસ ગણાય છે. અંગદાનમાં લોકોને જાગૃત કરાયા બાદ અત્યાર સુધીમાં કુલ ૫૦ અંગદાન થયા છે.

આ પહેલા ૨૭ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ સૌથી પહેલું અંગદાન સિવિલ હોસ્પિટલમાં થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ૧૫૦ અંગોથી ૧૩૩ જેટલા લોકોને નવું જીવનદાન મળ્યું છે. જેમાં ૪૨ જેટલા લિવર, ૭૭ જેટલી કિડની, ૬ પેંક્રિયાસ, ૭ હાર્ટ, ૪ હાથ, ૭ લંગ્સનું અત્યાર સુધીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

બ્રેઇનડેડ દર્દીના અંગદાનની સંમતિ મળ્યા બાદ હ્યદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા અંગોને શરીરમાંથી બહાર કાઢવા માટે હોસ્પિટલના આઇ.સી.યુ. સેન્ટરમાં જ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટરની આખી ટીમને કાર્યરત કરવામાં આવે છે. જેમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી સંલગ્ન જરૂરી બધા ટેસ્ટ તેમજ અંગોને સારી અવસ્થામાં રાખવા માટેની સારવાર કર્યા બાદ અંગોને શરીરમાંથી કાઢવાની પ્રક્રિયા અલાયદા ઓપરેશન થીયેટરમાં જ હાથ ધરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર કાર્યરત થયું હતું.

હોસ્પિટલમાં દાખલ દર્દી જયારે બ્રેઇનડેડ જાહેર થાય છે, ત્યારે એસઓટીટીઓની ટીમના કાઉન્સેલર્સ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સમજાવવામાં આવે છે. પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવતા જ શરીરને હોસ્પીટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારથી રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારબાદ ટીમના અથાગ પરિશ્રમથી આજે લોકોમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિ આવવા લાગી છે. કાઉન્સેલિંગથી લઇ અને અંગોના રીટ્રાઇવલની કામગીરી અગાઉની સરખામણીએ વધુ સધન અને સરળ બની ગઈ છે.

સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા દિવસ-રાત અંગદાન માટે ખુબ જ અથાગ પરિશ્રમ કરવામાં આવે છે. જેના પરિણામે જ આજે ૧૫ મહિનામાં જ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૫૦ અંગદાનમાં સફળતા મળી ગઈ છે. જેનો સમગ્ર શ્રેય અંગદાતાઓના પરિવારજનો અને સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમને આપવામાં આવે છે.

અને સાથે જ એનજીઓ સાથે જોડાયેલા અને પોતે પણ અંગદાન થકી નવ જીવન મેળવનાર દિલીપ દેશમુખનો અંગદાનમાં ખુબ અદભુત ફાળો છે. તેમના દ્વારા અંગદાન અભિયાન પણ ચલાવવામાં આવે છે અને બ્રેન ડેડ દર્દીઓના સગાઓને પણ કાઉનસિંગ કરી અને અંગદાન માટે જાગૃતિ પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.