ગુજરાતમાં હજુ ચોમાસુ ચાલુ થયું છે ને અમદાવાદ શહેરમાં દુખદ સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી શુભ લક્ષ્મી સોસાયટી માં ખુબજ કરુણ અકસ્માત બન્યો છે. જેમાં ૧૦ વર્ષનો બાળક અને એક મહિલા સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાતા કરંટ લાગ્યો હતો. જેના કારણે બંનેના મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. બંનેના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.
બાળકને બચાવવા ગયેલી મહિલાનું પણ મોત થયું હતું મૃતક બાળકના પિતા પિન્ટુભાઈના જણાવ્યા મુજબ વરસાદના કારણે કરંટ આવ્યો હતો. દસ વર્ષનો બાળક ગેટની બહાર આવી રહ્યો હતો કે અંદર જઈ રહ્યો હતો તે જાણી શકાયું નથી પરંતુ તે ગેટને અડક્યો એટલે તરત જ તેને કરંટ લાગ્યો હતો.બાજુમાં રહેતી ભાભીએ તેને જોયો અને દોડી આવી અને તેને અડ્યા કે તેઓ પણ પડી ગયા. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ 10 મિનિટમાં જ હોસ્પિટલે જાહેર કર્યું કે તેઓ બંને મૃત છે.
અમદાવાદમાં રવિવાર એટલે કે આજથી 15 જૂન સુધી વાવાઝોડા સાથે લગભગ 1 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. 13 જૂન, સોમવારે સવારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યની શાળાઓ પણ સોમવારથી શરૂ થવા જઈ રહી છે. ત્યારબાદ બાળકોએ રેઈન કોટ પણ તૈયાર કરવાના રહેશે. શનિવારે બપોરે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઇવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં વરસાદના આગમન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગો સહિત કોંકણના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશ્યું છે.” થોડા કલાકોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રની સાથે ગુજરાતના ભાગોમાં પ્રવેશ કરશે, જેનાથી અનુકૂળ સ્થિતિ સર્જાશે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે