ધન્ય છે અમદાવાદના હરતું ફરતું મંજુબા નું રસોડાને, દરરોજ 700થી વધુ લોકોને ફ્રી જમાડે છે, લાગે છે લાંબી લાઈન

જીવન અંજલિ થાજો! મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો, દીન દુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! કરસનદાસ માણેકની આ સુંદર કવિતાને હાલ અમદાવાદનું કામદાર દંપતી સાર્થક કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં સૌ કોઈએ પોશ વિસ્તારમાં આવેલી ખાણી-પીણી બજારમાં જ ફૂડ ટ્રક જોઈ જ હશે, જ્યાં લોકો પૈસા ચૂકવી અને જમે છે, જ્યારે કામદાર દંપતી દ્વારા ચલાવવામાં આવતું ‘મંજુબાનું રસોડું’ નામની ફૂડ ટ્રક ગરીબ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓની જઠરાગ્નિ ઠારી રહ્યા છે.

શહેરના બિઝનેસમેન મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારે માતાના જીવન તથા માતાએ આપેલા સૂત્ર પરથી પ્રેરણા મેળવી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબો માટે ફૂડ ટ્રક શરૂ કરી છે, જેમાં રોજ સવાર-સાંજના ૭૦૦ લોકોને વિનામૂલ્યે જમે છે. આ ફૂડ ટ્રક દ્વારા છેલ્લા ૬ મહિનામાં ૧.૨૫ લાખ લોકોની આંતરડીને ઠારવામાં આવે છે.

એન્જિનિયરિંગ કંપની ચલાવતા મયૂર કામદારનાં માતાનું વર્ષ ૨૦૦૮માં અવસાન થઈ ગયું હતું, પરંતુ માતા મંજુબા જીવ્યાં ત્યાં સુધી પોતે જ સુખી સંપન્ન પરિવારના હોવાથી રોજ ગાડીમાં જઈ અને રસ્તામાં દેખાતા ગરીબ અને જરૂરિયાતમંદોને જમવાનું આપતાં હતાં. મયૂર કામદારનાં માતા મંજુબા એવું કહેતા કે કોઈ ભૂખ્યું ના સૂવે, આ સૂત્રને લઈ અને તેઓ રોજ અનેક લોકોને જમવાનું આપી રહ્યા હતાં. મંજુબાના અવસાન પછી તેમનાં દીકરા તથા પુત્રવધૂને માતાએ આપેલી પ્રેરણા પરથી માતા જે કામ કરતા હતા એ ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો.

મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારની કંપનીમાં કુલ ૨૦૦ કર્મચારીઓ છે. આ દંપતી ખૂબ જ સરખી રીતે તેમનો બિઝનેસ સંભાળી રહ્યાં છે. લોકડાઉનનાં ૨ વર્ષ પહેલાથી પ્રણાલી કામદાર રોજ તૈયાર ફૂડ પેકેટ લઈ અને ગાડીમાં નીકળતાં હતાં અને રસ્તામાં આવતા જતા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપતાં રહેતા હતાં. ત્યાર બાદ લોકડાઉન આવતાં આ સેવા બંધ કરવી પડી હતી. દોઢ વર્ષે ફરીથી લોકોને જમવાનાં પેકેટ આપવાનું શરુ કરી દીધું હતું.

ત્યારે એવું થતું કે અગાઉથી નક્કી ના હોય એટલે જે જગ્યાએ ફૂડ પેકેટ આપવા જતા ત્યાં લોકો લેવા માટે પડાપડી કરવ લગતા રેહતા હતા. ત્યાર બાદ દંપતીએ નવા કોન્સેપ્ટ મુજબ કાયમી લોકોને જમાડી શકાય એ માટેનું પ્લાનિંગ કર્યું છે. એમાં તેમને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને શોધી અને લાઉડસ્પીકર પર જાહેરાત કરીને આમંત્રણપત્રિકા આપવાનું શરૂ કર્યું છે, સાથે સાથે લોકોને કહેવામાં આવતું હતું કે કાલે તમે પરિવાર સાથે જમવા આવજો અને તમારા ઘરે જમવાનું નહી બનાવતા.

બીજા દિવસે ફૂડ ટ્રક ત્યાં પહોંચી જતું હોય છે, જેમાં પ્રણાલી કામદાર હંમેશાં સાથે જ રહે છે અને સ્વમાન જળવાય રહે એ રીતે જમવાનું પીરસતી હોય છે. કોઈ વ્યક્તિ બીજી વખત આવે તોપણ તેને જમવાનું આપવામાં આવે છે. આ આખા પ્રોજેક્ટનું નામ મયૂર કામદારનાં માતાના નામ પરથી મંજુબાનું રસોડું એવું નામ રાખવામાં આવ્યું છે.

મયૂર કામદારની કંપનીમાં રોજ એકસાથે ૯૦૦ લોકોનું જમવાનું બનાવવામાં આવે છે. શહેરના વાડજ ખાતે આવેલા એક બંગલોમાં કેટરિંગની ટીમ રાખેલી છે. આ ટીમ દરરોજ જમવાનું બનાવે છે. જમવાનું બની ગયા બાદ એની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી કરવા માટે ૩ વ્યક્તિની ટીમ પણ બનાવવામાં આવી છે, આ ટીમ ચકાસી અને ફૂડ ટ્રક લોડ કરાવે છે. ફૂડ ટ્રક જે વિસ્તારમાં લઇ જવામાં આવે છે ત્યાં લોકો શિસ્તબદ્ધ લાઈનમાં રહી અને જમવાનું મેળવે છે અને પોતાના ઘરે જઈને જમે છે.

આ રસોડામાં મોટા ભાગે તેવી જ વાનગીઓ પીરસવામાં આવતી હતી કે જે ગરીબ વ્યક્તિઓ જાતે ખરીદી અને ના જમી શકતા હોય. જમવાનો બગાડ ના થાય તે માટે લિમિટેડ વાનગી અને અનલિમિટેડ જમવાનું પણ પીરસવામાં આવે છે. જ્યારે લોકોની સંખ્યા વધુ હોય છે અને જમવાનું પૂરું થાય ત્યારે ત્યાં જ તાત્કાલિક સામગ્રી લઈને બનાવવામાં આવતું હોય છે.

મંજુબાના રસોડામાં દંપતી સહિત કેટરિંગની ટીમ તો છે જ, પરંતુ સાથે સાથે તેમને કોર્પોરેટ કંપનીમાં કામ કરતા ૫ યુવક સ્વેચ્છાએ આ રસોડામાં સેવા આપવા તૈયાર થઈ ગયા છે. જેઓ ગાડીમાં જઈ અને આગલા દિવસે આમંત્રણ આપી દે છે તથા જમવાનું ચાલુ હોય ત્યાં વ્યવસ્થામાં ઊભા રહેતા હોય છે. જ્યારે આ દંપતી કોઈ કારણસર હાજર ના રહી શકે ત્યારે આ ૫ યુવકની ટીમ રસોડાની પૂરી જવાબદારી સાંભળી લેતા હોય છે.

પ્રણાલી કામદારે જણાવ્યું હતું કે મેં મારી સાસુનો વારસો જાળવી રાખ્યો છે. ક્યારેક હું બહાર ગઈ હોવ ત્યારે ઘડિયાળ સામે જોઇને વિચારું કે ક્યારે ૧૦:૩૦ વાગે અને હું રસોડે જઈ અને બધાને જમવાનું પીરસી દવ. હું મારા બિઝનેસમાંથી રોજ સવારે અને સાંજે ૨-૨ કલાક આ રસોડામાં ફાળવું છું.

મયૂર કામદારે જણાવ્યું હતું કે આ કામ કરી અને અમને ખૂબ જ આનંદ મળે છે. અનેક ટ્રસ્ટ કે મંદિર તરફથી જરૂરિયાતમંદોને જમાડવામાં આવતા હોય છે, જેમાં લોકોએ સ્થળ પર જવું પડતું હોય છે, ક્યારેક કોઈ પીરસનાર ઠપકો પણ આપે છે ત્યારે જમવા જનારની લાગણી પણ દુભાતી હોય છે અને માગીને પણ જમવું પડે છે. જેથી આ સ્થિતિનો સામનો ના કરવો પડે એ માટે અમે કઈક અલગ આયોજન કર્યું છે.

અહીં બધા જ વ્યક્તિને આમંત્રણ આપીને સ્વમાનભેર જમાડવામાં આવે છે. એક એપ્લિકેશન પણ બનાવી દીધી છે જેમાં કેટલાક નક્કી કરેલા વિસ્તારમાં રહેતા વૃદ્ધ તથા બહાર ન નીકળી શકતા હોય તેવા લોકો રજિસ્ટ્રેશન કરાવે તો તેમને રોજ ઘરે જઈ અને જમવાનું આપી શકીએ. મારાં માતાના કોન્સેપ્ટ કોઈ ભૂખ્યું ના સૂવે એ મુજબ અમે અનેક લોકોને જમાડી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.