ભારે વરસાદને કારણે બનાસકાંઠા થયું પાણી પાણી અત્યંત ભારે વરસાદ પડતા ડીસા અને લાખણીમાં…
રાજ્યમાં અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો કે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના દાંતીવાડા, લાખણી અને ડીસામાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને મુખ્ય રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા.
મોડે મોડે પણ મેઘરાજા પધારતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને આગામી દિવસોમાં સારા વરસાદની આશા સેવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે લાખણી, દાંતીવાડા અને ડીસામાં બે કલાકમાં જ મેઘરાજાએ પાણી પાણી કરી દીધું હતું. સવારે 10 થી 12 દરમિયાન ડીસામાં બે ઈંચ, દાંતીવાડામાં અઢી ઈંચ અને લાખણીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે અન્ય તાલુકાઓમાં ધીમીધારે મેઘમહેર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા પર આજે મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. સવારે એક જ કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. બજારમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. જ્યારે મુખ્ય હાઈવે પર પણ નદીની માફક ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો જેના કારણે વાહનચાલકોએ મુશ્કેલીનો અનુભવ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં વરસાદની હજી ઘટ વર્તાઈ રહી છે. તેની વચ્ચે જ આજે જાણે મેઘરાજા આ ઘટ પૂરી કરવા પધાર્યા હોય તે રીતે વરસી રહ્યા છે. ત્યારે ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. જિલ્લામાં થયેલા વાવેતર પર કાચા સોનારૂપી વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ વરસે તેવી આશા વ્યકત કરી હતી.