બસ ડ્રાઈવરે કહ્યું બ્રેક નથી લાગતી અને પછી તો થોડી જ સેકન્ડમાં બસ ખાઈમાં ખાબકી ગઈ…
‘હું ITBPના 40 સાથીઓની સાથે સવારે અમરનાથ યાત્રાના પોશપથરી કેમ્પથી નીકળ્યો હતો. અમારી બસ લગભગ 11 વાગ્યે પહલગામમાં ક્રિસલાનાની પાસે પહોંચ્યા. એક વળાંકથી પર ડ્રાઈવરે બૂમ પાડીને કહ્યું કે બસની બ્રેક લાગી નથી રહી. બ્રેક ફેલ થઈ ગઈ છે. થોડી સેકન્ડ પછી બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી. જે બાદ કંઈ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે.’ આ વાતો ITBPના હેડ કોન્સ્ટેબલ ખેરનાર બાપૂએ ભાસ્કર ટીમને જણાવી. તેઓ હાલ અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં એડમિટ છે.
બસમાં ITBPની ત્રીજી અને ચોથી બટાલિયનના જવાના જમ્મુ તરફ જઈ રહ્યાં હતા. જેમાં સવાર ખેરનાર બાપૂને પગમાં ઈજા થઈ છે. તેઓ જણાવે છે કે બસ પડવાનો અવાજ સાંભળીને આજુબાજુના કેટલાંક લોકો ભાગતા મદદ માટે પહોંચ્યા હતા. તેમને ફંસાયેલા જવાનોને કાઢવાનું શરૂ કર્યું. જે પછી અમને પહલગામ અને પછી અનંતનાગ લાવવામાં આવ્યા.
સાથીઓને તરફડતા જોયા, પરિવારને જાણ કરવી છે કે હું ઠીક છું બાપૂએ જણાવ્યું દુર્ઘટના પછી મેં મારી સામે જવાનોને તરફડતા જોયા. મને આ જોઈને ઘણો આઘાત લાગ્યો. મીડિયાની મદદથી પરિવારને જણાવવા માગુ છું કે હું ઠીક છું અને સુરક્ષિત છું.
જમ્મુ કાશ્મીરના સાંબામાં રહેતા ITBP જવાન નીલકાંત શર્મા પણ બસમાં હાજર હતા. તેમને જણાવ્યું કે વળાંક પાસે અચાનક ડ્રાઈવર બસ સંભાળી ન શક્યો અને તે નદી અને ખાઈમાં જઈને પડી. મને નથી ખબર કે કેટલાં જવાનોના મોત નિપજ્યા છે. મને પણ ઈજા થઈ છે. દુર્ઘટના પછી અનંતનાગ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પહોંચવાની શરૂ થઈ ગઈ.
અનંતનાગના ડેપ્યુટી કમિશનરે ભાસ્કર ટીમને જણાવ્યું કે એક્સીડન્ટની જાણ થતાં જ તેમને 19 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલી હતી. દુર્ઘટના પછી આખી સિસ્ટમ જવાનોને કાઢવા અને હોસ્પિટલ પહોંચાડવામાં લાગી ગઈ. જે બાદ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં ઘાયલ જવાનો આવવા લાગ્યા. કોઈનું માથું ફાટી ગયું હતું, તો કોઈના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું.
લગભગ 3 કલાક સુધી હોસ્પિટલમાં આવો માહોલ જોવા મળ્યો. તમામ જવાના 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલેલી અમરનાથ યાત્રામાં ડ્યૂટી કરીને પરત ફરી રહ્યાં હતા.
ITBPના DIG રણબીર સિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. તેમને જણાવ્યું કે 7 જવાનોના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે અને 16 ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલ માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ નાજૂક છે.
DIG રણબીર સિંહને પૂછવામાં આવ્યું કે દુર્ઘટના કોની ભૂલના કારણે થઈ, તો તેમને જણાવ્યું કે હાલ બસનો ડ્રાઈવર ભાનમાં નથી. હાલ અમારી પ્રાથમિકતા ઘાયલોને સારી સારવાર મળે તે છે. અમે ક્રિટિકલ કન્ડીશનવાળા જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગર મોકલ્યા છે.
મૃતકમાં ITBP જવાનોના હેડ કોન્સ્ટેબલ દુલા સિંહ (તરનતારન, પંજાબ), કોન્સ્ટેબલ અભિરાજ (લખીસરાય, બિહાર), કોન્સ્ટેબલ અમિત કે (એટા, યુપી), કોન્સ્ટેબલ ડી રાજ શેખર (કડપ્પા, આંધ્રપ્રદેશ), કોન્સ્ટેબલ સુભાષ સી બૈરવાલ (સીકર, રાજસ્થાન), કોન્સ્ટેબલ દિનેશ બોહરા (પિથૌરાગઢ, ઉત્તરાખંડ) અને કોન્સ્ટેબલ સંદીપકુમાર (જમ્મુ) તરીકે થઈ છે.