ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજએ તેમનુ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ભરૂચના અંકલેશ્વર જિલ્લામાં સવા ઈંચ વરસાદ પડયો હતો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા આથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. ભરૂચ જિલ્લામાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે રવિવારે સવારથીજ કાળા વાદળો તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું.
અંકલેશ્વર શહેર અને તેના તાલુકાઓમાં પણ સવા ઈંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે સોસાયટીમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. લોકોએ નગરપાલિકાની પ્રિમોન્સૂન એક્ટિવિટી ઉપર સવાલ ઉઠાવ્યા હતા. ધોધમાર વરસાદના કારણે પીરામણ નાકા પાસે એક મહાકાય વૃક્ષ હતું તે પણ પડી ગયું હતું જેના કારણે માર્ગ બંધ થઇ જવાથી લોકો અટવાઈ ગયા હતા. ત્યાર બાદ તંત્રએ પોતાની કામગીરી શરૂ કરીને વૃક્ષ ને રસ્તા પરથી હટાવવાના પ્રયાસ ચાલુ કરી દીધા હતા.
વરસાદની વાત કરીએ તો નવ જિલ્લાના સાત તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં અંકલેશ્વરમાં સૌથી વધારે વરસાદ 32 મિમિ નોંધાયો હતો. હાંસોટમાં દસ મિમિ વાલિયા અને ઝઘડિયામાં સાત મિમિ, વાગરામાં પાંચ મિમિ, ભરૂચમાં ૩ મીમી અને આમોદરમાં એક મી.મી વરસાદ નોંધાયો હતો. નેત્રંગ અને જંબુસરમાં વરસાદ જોવા મળ્યો ન હતો.
ભરૂચમાં ગોલ્ડન બ્રિજ એક્સપ્રેસ હાઈવે સહિતના સ્થળોએ ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦ અને ૨૧ જૂનના રોજ ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી તંત્રને ડર સતાવી રહ્યો છે કે યોગા દિવશે વરસાદ નડેશે તો!!
ઝઘડીયા તાલુકા ની વાત કરીએ તો સવારથી વરસાદ ચાલુ હતો બપોરના બે વાગ્યા સુધી વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે મુખ્ય બજાર અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ અમુક વિસ્તારની ગટરોમાં પાણીનો ભરાવો થઈ જવાથી લોકોએ ગ્રામપંચાયતને માંગ કરી હતી કે તેઓ ગટરની વ્યવસ્થિત સાફ સફાઈ કરાવે.
અંકલેશ્વર ની વાત કરીએ તો ધોધમાર વરસાદ પડતા સોસાયટી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આથી લોકોને બહાર જવું મુશ્કેલ પડ્યું હતું રવિવાર હોવા છતાં પણ લોકોને ઘરમાં જ રહેવું પડ્યું હતું. હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં અમુક વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી નગરપાલિકાની પ્રિમોન્સુન એક્ટિવિટી ની પોલ ખોલી નાખી હતી. લાખો રૂપિયા ખર્ચા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.