ભાવનગર હાઈવે માતાજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્નીનું બન્ને નું મોત

ભાવનગર અને વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો એક પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારની બાઈકને એક ટ્રક ચાલકે અડફેટે લઈ લેતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પતિ અને પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરિવાર પોતાના ગામથી દડવા ગામે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો આ સમગ્ર બનાવ અંગે મળેલ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન ફમાણી અને પાંચ વર્ષિય પુત્રને લઈને પોતાની બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ભાવનગર અને વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ એક પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી તથા તેનાં બાળકને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ પોતાનો દમ તોડી નાખ્યો હતો. જયારે બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ છોડી અને નાસી છુટ્યો હતો. તથા રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો. આ અંગે વલ્લભીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી શરુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.