સમાચાર

તું કેમ મારી પત્નીને ઘરે મોકલતો નથી એમ કહીને પટેલે સાળા પર કર્યો હુમલો

અમુક ઘટના એવી સાંભળવા મળે ને કે આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ. આવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં એક એવી ઘટના બની કે બનેવીએ સાળાના માથા પર છુટું નાળીયેર માર્યું. ગોમતીપુરમાં બનેવીએ ‘તું કેમ તારી બહેનને મારા ઘરે મોકલતો નથી’ તેમ કહીને પોતાના સાળા સાથે ખરાબ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. બાદમાં બનેવીએ સાળાના માથા પર છૂટ્ટુ નારિયેળ માર્યુ હતુ.

આ અંગે સાળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. ગોમતીપુર વિસ્તારના રહેવાસી પ્રવીણભાઇ પટણી ફ્રૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પ્રવીણભાઇની બહેનનું નામ રમીલા છે. તેના લગ્ન નરોડામાં ઔડાના મકાનમાં રહેતા કિશન પટણી નામ ના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ કિશન રમીલાને ઘર ખર્ચ ન આપતો અને હેરાન કરતો હતો.

જેથી રમીલા કંટાળીને છેલ્લા ચાર મહિનાથી બે બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. બીજી તરફ, કિશન લારીમાં નારિયેળ વેચીને ગુજરાન ચલાવે છે. ગુરુવાર સવારના સમયે કિશન તેના સાસરીના વિસ્તારમાં નારિયેળ વેચવા માટે આવ્યો હતો. ત્યારે કિશને પ્રવીણને હાથથી ઇશારો કરીને બીભત્સ શબ્દો બોલીને કહ્યું કે, તું કેમ તારી બહેનને મારા ઘરે મોકલતો નથી અને કેમ તારા ઘરે રાખી મૂકી છે.

જેથી પ્રવીણે કિશનને ગાળો ન બોલવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં કિશને છૂટુ નારિયેળ તેના સાળા પ્રવીણને માથામાં માર્યું હતું. બૂમાબૂમ થતાં કિશન ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પ્રવીણને માથામાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે પ્રવીણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બનેવી કિશન સામે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *