સમાચાર

ચાલુ શિયાળે પડ્યા ‘કરા’, આ વિસ્તારોમાં હજી વરસાદની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે સાંજે કચ્છના અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું જ્યારે ગઈકાલ રાતથી રાજકોટ, દ્વારકા, મોરબી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

આજે સવારે પણ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા કચ્છના ભચાઉ રાપર જામનગર જિલ્લાના જોડિયા લાલપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે રાજકોટમાં પણ આજે સવારે વરસાદનુ જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. આજે સવારે વરસાદી વાતાવરણ સાથે ઝાકળ વર્ષા પણ વરસી હતી જોકે ઠંડકમા રાહત યથાવત છે અને પવનના સુસવાટા ફૂકાઈ રહ્યા છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભરશિયાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. આથી વિશેષ કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરા પડ્યાં છે. માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.

ગઈ કાલે અને આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં માવઠું પડવાની આગાહી કરાઈ હતી. ત્યારે અમદાવાદ સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને થરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીથી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગાઉ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. આાગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો પાક પણ ઢાંકી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *