ચરોતર સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરે પૂરી સંભાવના

ઉત્તર અને પશ્વિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોન સરકયુલેશનના પગલે ચરોતર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી ૨૪ કલાકમાં વાતાવરણમાં પલટો જોવા મળવા લાગશે, આણંદ અને ખેડા જિલ્લાના કેટલાંક વિસ્તારમાં ૨૦મી એપ્રિલના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડશે અને ૨૧મી એપ્રિલના રોજ કેટલાંક વિસ્તારમાં ગાંજવીજ સાથે વરસાદી ઝાંપટાની સંભાવના રહેલી છે.

દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારમાં ૩૦ કિમીની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને આગમચેતીના ભાગરૂપે ખેતરોમાં કે પછી ખુલ્લી જગ્યામાં ભરેલ ઘાસ, તમાકુ અને અન્ય પાકોને વરસાદથી બચાવવા માટે ગોડાઉન કે સુરક્ષિત જગ્યાએ ભરી દેવા માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યાં છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાએ એવું જણાવ્યું હતું કે, સાયક્લોન સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેના કારણે મંગળવાર સવારથી જ ચરોતરમાં વાદળછાયા વાતાવરણના વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા રહેલી છે. આગામી સપ્તાહમાં ગરમીમાં ઘણી રાહત જોવા મળશે.

જો કે ૨૦મી એપ્રિલના રોજ આણંદ અને ખેડા જિલ્લામાં કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડવાના છે. તો કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડવાની પણ સંભાવના રહેલી છે. મહતમ તાપમાન ૩૬ ડિગ્રી જ્યારે પવનની ગતિ ૧૦ કિમી આસપાસ રહેવાની સંભાવના રહેલી છે. આમ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ જશે. જેથી શિયાળા બાદ ઉનાળુ પાકને પણ સાયક્લોનનું ગ્રહણ નડી શકે તેવી શક્યતા છે.

ચરોતરમાં પવન સાથે છુટાછવાયા વરસાદી ઝાંપટા પડવાની શક્યતા રાહેલી છે. ત્યારે પવન અને વરસાદના કારણે ભીંડા, ગુવાર, ગુલાબ, હજારી સહિતના પાકોના છોડ નમી જવાની અને ફુલો ખરી જતાં પાકને નુકશાન થવાની સંભાવના રહેલી છે. કૃષિ તજજ્ઞોએ એવું જણાવ્યું હતું કે, વરસાદી માહોલના કારણે હાલ પુરતું પિયત આપવાનું ટાળી દેવું જોઇએ.

મોઝેઇક વાયરસનો ઉપદ્રવ વધી ના જાય તે માટે શાકભાજી અને ફુલોના પાકને જરૂરી દવાનો છંટકાવ કરવા માટે જણાવ્યું છે. પવનને કારણે કેળના છોડ ઢળી પડવાની પણ શક્યતા રહેલી છે. જેથી કેળની લૂમને પણ નુકશાન થઇ શકે છે. તેને ધ્યાનમાં લઇને કેળની ખેતી કરતાં ખેડૂતોએ કેળના છોડને ટેકો આપવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ટકોર પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.