હવામાન વિભાગની આગાહી સાચી પડી, સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના સેવવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમથી પવનો ફૂંકાતા રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં 2.76 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આગામી ચારથી પાંચ દિવસ હવામાન ઠંડુ થશે સાથે વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આથી લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળશે.

ઉપરાંત સૌરાષ્ટ્રના ધંધુકામાં પણ 34 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો. આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થઇ શકે છે.

વરસાદ પહેલાંની પ્રિમોન્સૂન એક્ટિવિટી જોઈએ તો રાજ્યમાં મંગળવારે અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જેમા અમરેલીના લાઢીમાં 2.76 ઇંચ, ધંધુકામાં 1.36 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 18 એમએમ. લીબડીમાં 12 એમએમ, ભાવનગરના જેસરમાં 11 એમએમ વરસાદ પડ્યો હતો. આ સાથે બાવળામાં 9 એમએમ, રાણપુરમાં 6 એમએમ, ધોળકામાં 4 એમએમ, ધોલેરામાં 4 એમએમ, વિરમગામમાં 4, વલભીપુરમાં 2 અને ગરીઆધરમાં એક એમએમ વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં પણ મંગળવારે સાંજે 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બપોરે પવનની દિશા અમદાવાદની દક્ષિણ-પશ્ચિમ તરફ બદલાઈ હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ઓછું નોંધાયું હતું. આ પછી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો

જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રાજ્યભરના 50 થી વધુ હવામાનશાસ્ત્રીઓએ ચોમાસાની આગાહી કરી હતી. રાજ્યમાં ચોમાસું મધ્યમ રહેશે. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું ઓછું થવાની ધારણા છે, જેમાં જુલાઈના મધ્યમાં અને ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદની અપેક્ષા છે. જ્યારે ચોમાસુ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં વિદાય લઈ શકે છે.

જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વધુ વરસાદ પડશે જ્યારે કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓછો વરસાદ પડી શકે છે. કેટલાક આગાહીકારોએ વાવાઝોડાની પણ આગાહી કરી છે. તો કેટલાકના મતે કેટલાક જિલ્લાઓમાં વરસાદના અભાવની પણ શક્યતા છે.

હવામાન વિભાગે બુધવારથી ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જે મુજબ રાજ્યના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અગાઉ વહેલા વરસાદની સંભાવના હતી. જો કે કેરળ પહોંચ્યા બાદ વરસાદ બંધ થતા રાહ જોવાનો સમય આવી ગયો છે. સાથે જ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં આ વર્ષે પણ ચોમાસાના જોશભેર આગમનની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *