હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું ઉત્તર ભારતમાં દસ્તક આપી ચૂક્યું છે. ચોમાસુ મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ સુધી પહોંચી ગયું છે. બંગાળની ખાડી મારફતે દક્ષિણ – પશ્ચિમ ચોમાસું ઉત્તર ભારતમાં આવી ચુક્યુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં આસામ અને મેઘાલયમાં ખૂબ જ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી ચોમાસુ હવે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આથી ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારો જેવા કે મિઝોરમ,મણિપુર અને નાગાલેન્ડ સુધી ચોમાસું આવી ગયું છે.
બીજી તરફ બુધવારે ચોમાસું કર્ણાટકના બેંગલુરુ, ચિકમગલુર અને કારવાર પહોંચી ગયું હતું. હવામાન વિભાગે ભારતના દક્ષિણ દ્વીપકલ્પમાંથી અરબી સમુદ્રમાંથી આવતા ચોમાસાના પવનોને ધ્યાનમાં લઈને કર્ણાટક, કેરળ, માહે અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના અને દક્ષિણના અંતરિયાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
કયા રાજ્યોમાં વરસાદ પડે છે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને હવામાન વિભાગે રાજસ્થાન, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણામાં આગામી બે દિવસ સુધી લૂની ચેતવણી આપી છે.
આ વર્ષે ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગ માં જણાવ્યા અનુસાર આ વર્ષે સરેરાશ ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ઉત્તર પૂર્વ ભારત અને દક્ષિણ પશ્ચિમ દ્વિપકલ્પમાં ઓછો વરસાદ જોવા મળશે તેવી સંભાવના દર્શાવી છે. આમ જોવા જઈએ તો ૨૯મીના રોજ ચોમાસું કેરળમાં આવી જશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું પરંતુ ચોમાસુ 1 જૂન બાદ કેરળમાં પહોંચ્યું હતું