દાહોદમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા અને બે વર્ષની બાળકીનું મૃત્યુ

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ રોજબરોજ બનતી રહેતી હોય છે ત્યારે દાહોદમાં એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક અને કાર બંને વચ્ચે અકસ્માત સર્જાતા માતા-પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પ્રાથમિક તપાસ હાથ ધરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક મહિલા અને તેની બે વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ ઉપરાંત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે રવિવારે ૨૪ એપ્રિલના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા નજીક હાઈવે પરથી એક ટ્રક અને કાર પસાર થઈ રહ્યા હતા. આ સમયે બંને વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતમાં મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા એક પરિવારની કારમાં સવાર કેટલાકને જ્હુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે થાંદલા તાલુકામાં રહેતા ૨૯ વર્ષીય પ્રેમીલાબેન કાળુભાઈ ડામોર અને બે વર્ષીય નયનાબેન કાળુભાઈ ડામોર એમ બંને માતા-પુત્રીને શરીરે તેમજ હાથે-પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમના ત્યાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ થતા તેઓને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવતા તરત જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.