સુરત: વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ડાયમંડ બુર્સનું કામ થયું પૂર્ણ, આ તારીખે ગણેશ સ્થાપના અને મહાઆરતી કરશે

આખરે વિશ્વભરને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત શહેરને મળવા જઈ રહ્યું છે. જે હવે તૈયાર પણ થઇ ગયું છે. ૫ જૂનના રોજ સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં ૪૨૦૦ ઓફિસોના માલિકો દ્વારા એકસાથે આરતી કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશ અને વિદેશના ૪,૦૦૦થી પણ વધુ વેપારીઓએ મળી અને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ ડાયમંડ કિંગની નજર રહેલી છે.

આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ માનવામાં આવે છે. અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં પણ ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવેલી છે. જ્યાં વિશ્વના ૧૭૫ જેટલા દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં તમને જોવા મળશે.

સુરત ડાયમંડ બુર્સની ૩૦૦, ૫૦૦ અને ૧૦૦૦ સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવામાં આવ્યું છે. કામ ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન ૫ જૂનના રોજ સાંજે ૫ વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરવામાં આવશે ત્યાર બાદ ૪૨૦૦ ઓફિસોના માલિક ૪૨૦૦ દિવડા પ્રગટાવી અને મહાઆરતી કરશે.

ઉલ્લેખનીય છે કે, ૫મી ડિસેમ્બર ૨૦૧૭થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સુરત ડાયમંડ બુર્સનું વર્ષ ૨૦૨૨ સુધીમાં નિર્માણ પુરું થઈ ગયું છે. જેના માટે ૬૦૦૦ કારીગરો, ૯ મહાકાય ક્રેઈનની મદદથી બિલ્ડિંગનું બધુ બાંધકામ કરવામાં આવ્યું છે. દરરોજ ૧૦ હજારથી પણ વધુ સિમેન્ટના બેગના વપરાશથી ચાલી રહેલા આ બાંધકામના કારણે કુલ ૯ ટાવરનું કોંક્રિટનું ફ્રેઈમ વર્ક સંપૂર્ણ પૂર્ણ થઈ ચુક્યું છે.

જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે ત્યારે અહીં ૧૦ હજારથી વધુ ટુ વ્હીલર અને ૪૫૦૦થી વધુ ફોર વ્હીલર પાર્ક કરી શકાય તેવી પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૫ એકર જગ્યાને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે. તમામ લેન્ડસ્કેપ પંચ તત્વને થીમ પર ડિઝાઈન કરી દેવામાં આવશે. ટાવર વચ્ચેની ૩ વીઘા જગ્યામાં લેન્ડસ્કેપીંગ ડિઝાઈન, ૪૨૦૦થી વધુ ઓફિસને વ્યુ મળી શકશે.

દરેક ઓફિસમાં તિજોરીનો લોડ ગણી અને બિલ્ડીંગની ડિઝાઈનને આકાર આપવામાં આવ્યો છે. અત્યાર સુધી આવું એક પણ કોમર્શિયલ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું નથી. ૯ ટાવરની હાઈટ વધવાની સાથે સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા જ હશે, જેના કારણે અન્ય સામાન્ય પ્રોજેક્ટની સરખામણીએ આ પ્રોજેક્ટમાં કોંક્રિટ અને સિમેન્ટનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ ૬૬ લાખ ચોરસ ફૂટમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. બિલ્ડીંગમાં કુલ ૧૨૮ જેટલી ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે. જો ક્ષેત્રફળની દ્રષ્ટીએ જોવા જઇએ તો સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ હબ રહેશે. આ રેકોર્ડ અત્યાર સુધી શિકાગોના વિલિસ ટાવર પાસે રહેલો હતો. જેનું ક્ષેત્રફળ ટોટલ ૪,૧૬,૦૦૦ ચોરસ મીટર છે. જો વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફાની વાત કરવામાં આવે તો તે પણ બુર્સથી પાછળ રહી જશે.

સુરત ડાયમંડ બુર્સનાં ડ્રીમ સિટીમાં હીરા વેપારીની સાથે સાથે અન્ય નાગરિકો માટે રહેવાની સુવિધા તેમજ આવાસ કોલોની પણ બનાવવામાં આવશે. સ્કુલ, હોસ્પિટલ અને હોટલ માટેની પણ જગ્યા રહશે. સાથે જ મેટ્રો અને બીઆરટીએસ સાથે પણ બુર્સને જોડી દેવામાં આવશે, જેથી ઝડપથી લોકો અહીંથી બીજી જગ્યાએ પહોંચી શકે. આમ ખરા અર્થમાં સુરત આર્થિક ગ્રોથ એન્જિન બની જશે. હાલમાં વાર્ષિક ૧.૫૦ લાખ કરોડનો સુરતના હીરા ઉદ્યોગ એક્સપોર્ટ કરી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સના બની ગયા પછી આ આંકડો ઘણો વધી જશે. ત્યાં જ ખરીદ-વેચાણમાં ફાયદો થઈ જશે. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *