સમાચાર

ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોની વધી ચિંતા??

ભાવનગર જિલ્લામાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ ગગડતા હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, પહેલા ડુંગળીની આવક શરૂ થતાં સમયે જ ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના ૫૦૦ થી ૬૦૦ રૂપિયા મળી રહ્યા હતા, હાલમાં માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવ ઘટીને તળિયે બેસી ગયા છે ખેડૂતોને હાલમાં ડુંગળીના ભાવ પ્રતિમણના માત્ર ૧૫૦ થી લઈને ૪૦૦ સુધી મળી રહ્યા છે જે ભાવ તેના ઉત્પાદન ખર્ચ સામે ખૂબ ઓછો છે. આવા ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવની માંગણી કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લો એ ડુંગળી માટેનું ખુબ મોટું હબ ગણાય છે, સમગ્ર રાજ્યમાં જેટલી ડુંગળીનું ઉત્પાદન થાય છે તેનો ૪૦ ટકાથી વધુ હિસ્સો તો એકલા ભાવનગર જિલ્લાનો જ હોય છે, જેમાં તાલુકા મહુવા અને તળાજા આ બે તાલુકાના ખેડૂતો સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરતા હોય છે, ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઈને લણણી સુધીમાં અનેક ગણો ખર્ચ થતો હોય છે, ડુંગળીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પિયત, જાળવણી, લણણી ની મજૂરી અને ખેતરેથી માર્કેટયાર્ડ સુધી લઈ જવા પાછળ ખર્ચ ઘણો હોય છે જે ખેડૂતોને ભોગવવો મુશ્કેલ પડે છે.

ગયા ચોમાસા અને ત્યાર બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે મોટા ભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે, સામાન્ય રીતે ડુંગળીમાં પ્રતિ હેકટર ૨૦૦ મણથી વધુનો ઉતારો મળતો હોય છે, જે આ વખતે કમોસમી વરસાદના કારણે ઘટીને પ્રતિ હેક્ટર ૫૦ થી ૬૦ મણ થઈ ગયો છે, ઉતારો ખુબ ઓછો મળવાના કારણે ખેડૂતોની ડુંગળીની જે પડતર કિંમત હોય છે તેમાં પણ વધારો થતો હોય છે, જેથી ડુંગળીના ભાવો નીચે પડી જતાં વાવેતર પાછળ જે ખર્ચ થયો હોય છે તેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ બની ગયું છે.

હાલ માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે, માર્કેટયાર્ડ ખાતે રોજની ૧૦ થી ૧૫ હજાર ગુણી ડુંગળી ઠલવાઈ રહી છે, ડુંગળીની આવક શરૂઆત સમયે ખેડૂતોને ડુંગળીના ખૂબ સારા ભાવ પ્રતિમણ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા મળતા હતા, પરંતુ ડુંગળીની આવક વધતા જ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. હાલમાં ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના માત્ર ૧૫૦ થી સારામાં સારી ડુંગળીના ૪૦૦ રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ડુંગળીની આવક જેમ વધે છે તેમ તેના ભાવ નીચે પડી રહ્યા છે, ખેડૂતોને હવે ડુંગળીના ઓછા ભાવ પોસાય તેમ નથી, તેમજ હજુ તો ડુંગળીની આવક શરૂ જ થઈ છે અને આગળ જતાં જેમ જેમ આવક વધતી જશે તેમ ડુંગળીના ભાવ પણ સતત નીચા જતા રહેશે જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ જેમ હતા એમ જળવાય રહે એવી માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *