લીમખેડાના ખાખરીયાની સીમમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. સમગ્ર મામલામાં લીમખેડાના ખીરખાઈ ગામના લોકોએ અપહરણ બાદ તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પુત્રનું ખીરખાઈ ગામની એક યુવતી સાથે અફેર હતું, જેના કારણે તેમનું
અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. લીમખેડા પોલીસ મથકે અપહરણ અને હત્યા પ્રકરણમાં છ લોકો સામે ગુનો નોંધ્યો છે.
ખીરખાઈ ગામના સરપંચ સરતાન ડામોર અને હાલમાં જિલ્લા પંચાયત સભ્યના સરપંચના પત્ની ટીનાબેન ડામોર સહિત અન્ય ચાર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં સરપંચ સહિત ભાજપના જિલ્લા પંચાયત સભ્યના નામ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના ખાખરીયા ગામે રહેતા પંકેશ નિનામા નામના યુવકને ખીરખાઈ ગામના રૈલાભાઈ ડામોરની પુત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવક અને યુવતી બંને લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી ગયા હતા.
માહિતી મળતા જ રૈલાભાઈના પરિવારજનો પંકેશના ઘરે પહોંચી ગયા હતા. પંકેશના પિતા સુક્રમભાઈ અને પરિવારના અન્ય સભ્યો સાથે તેની લડાઈ થઈ હતી. યુવતીના પરિવારજનો સુક્રમભાઈનું અપહરણ કરી ખીરખાઈ ગામે લઈ ગયા હતા. બીજી તરફ ખીરખાઈ ગામે લઇ જઈને સુક્રમભાઈને સરગવાના ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. આથી રાયલભાઈનો પરિવાર સુક્રમભાઈના મૃતદેહને ખાખરીયા સીમમાં રોડની બાજુમાં મૂકીને જતાં રહ્યા હતાં.
મૃતદેહ મળી આવતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ખીરખાઈ ગામના લોકોની ક્રૂરતાનો પર્દાફાશ થયો હતો. આ અંગે મૃતક સુક્રમભાઈના પુત્ર નરેશ નિનામાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે લીમખેડા પોલીસે સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ હત્યામાં ગામના સરપંચની અને ભાજપ સાથે સંકળાયેલા જિલ્લા પંચાયતના સભ્ય ની પત્ની ની ભૂમિકા સામે આવી છે.