સમગ્ર ઘટના દરમિયાન વીડિયો ઉતારનારે કહ્યું કે અંદાજ નોહતો કે આ વીડિયો આટલું મોટું સબૂત બની જશે

સત્ર ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલાં ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરુવારના રોજ પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યાના સમયનો જે વીડિયો જોઇને લોકો કહી રહ્યા હતા કે કોઈ બચાવવા પણ કેમ ન આવ્યું, તે વીડિયો જ આજે આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.

આ વીડિયો ઉતારનારા સાહેદે એવું કહ્યું કે, ‘આ વીડિયો ઉતાર્યો ત્યારે એવો અંદાજ પણ ન હતો કે તે આટલો મોટો પુરાવો સાબિત થઈ શકશે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જ્યારે આ સાહેદની તપાસ કરી હતી ત્યારે તેણે પણ ઘટના જોઈ અને વીડિયો લઇ લીધો હોવાનું પણ કહ્યું હતું. એફએસએલમાં પણ આ વીડિયો જોડે કોઈ છેડછાડ ન કરી હોવાનું સપાટી પર આવ્યું હતું.

ગુરુવારના રોજ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગ્રીષ્માના માતા-પિતા ઉપરાંત અન્ય સંબંધી પણ ત્યાં ઉપસ્થિત હતા. માતાની આંખો તો ભરાઈ જ આવી હતી. સતત રડતા જ હતા. દરેક એ જ ઇચ્છતા હતા કે આરોપીને કડક સજા આપવામાં આવે. માતાએ કહ્યું કે અત્યાર સુધીની પ્રોસિજરથી તે સંતુષ્ટ થયા છે. તકસીરવાર તો ઠેરવાયો પણ અમને તો તેને ફાંસીના માંચડે લટકતો જ જોવાનો ઈચ્છા છે.

અન્ય સભ્યોની માગ પણ એવી જ હતી કે આરોપીને ફાંસી જ આપવામાં આવે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ એવું કહ્યું કે કોર્ટે કહ્યું કે પ્રેમ કરવો એટલે હત્યાનું લાઇસન્સ મળી જતું નથી. કોર્ટે ગણતરીપૂર્વકની હત્યા ગણાવી દીધી છે. હવે અમે ફાંસીની સજા માટે પણ દલીલો કરીશું.

Leave a Reply

Your email address will not be published.