આ તારીખે આવી રહ્યો છે ગુજરાતમાં કમોસમી વરસાદ, આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ આવશે

અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ ભેજવાળા પવનના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવવા લાગ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા.૨૦ મીથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતાં વાદળ ઘેરાવાની શરૂઆત થવાની સ્જક્યતા રહેલી છે. ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ ૪૦ થી ૭૫ ટકા સુધી આકાશ કાળાં વાદળોથી ઘેરાઇ શકે તેમ છે. તા.૨૧ મીએ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં, જ્યારે તા.૨૨ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવા કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

કમોસમી વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. જોકે, હવામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધતાં સપ્તાહના અંત સુધીમાં અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે તેવી શક્યતા રહેલી છે. દરમિયાન, સોમવારે મુખ્ય ૫ શહેરોનું તાપમાન ૧ ડિગ્રી થી ઘટીને ૩૯ ડિગ્રીથી ૪૦.૧ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. બીજી બાજુ વહેલી સવારે ભેજનું પ્રમાણ ૬૦ થી ૬૫ ટકા અને બપોરે ૨૧ થી ૨૫ ટકાની વચ્ચે રહેતાં લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ કમોસમી વરસાદના સમયે ગાજવીજ થવાની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ દરમિયાન પ્રતિ કલાકે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૧ સુધીના છેલ્લા ૧૦ વર્ષમાં ૩ વખત એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડી ચુક્યો છે. જેમાં ગત ૨૦ એપ્રિલ ૨૦૧૩, ગત ૧૨ એપ્રિલ ૨૦૧૫ અને ગત ૧૭ એપ્રિલ ૨૦૧૭માં વરસાદ પડ્યો હતો.

કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કાપણી કરેલો પોતાનો પાક સુરક્ષિત સ્થળે મૂકી દેવા માટે સલાહ આપી છે. આ સાથે પશુપાલકોને પશુઓને ખુલ્લી જગ્યા કે ઝાડ નીચે ન બાંધી અને સુરક્ષિત સ્થળે રાખવા કહેવામાં આવ્યું છે. આ સાથે વરસાદ પડતા સમયે શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.