સમાચાર

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન, આ તારીખે થશે કાતિલ ઠંડી શરૂ

છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના ૬૦ તાલુકાઓમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી ૨૪ કલાકમાં ફરી માવઠું થવાની શક્યતા છે. ત્યાર બાદ પવનની દિશા બદલાઈ જશે. આ ઉપરાંત ૯મી જાન્યુઆરીથી વાતાવરણ સુકુ બની જશે અને ફરી કડકડતી ઠંડી પડવા લાગશે. ૯ જાન્યુઆરી બાદ તાપમાન ૫ ડિગ્રી સુધી ગગડવાની આગાહી લારવામાં આવી છે. જેને કારણે ઠંડીમાં વધારો થશે.

લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે: હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં માવઠું થશે. આગામી ૨૪ કલાક દરમિયાન વાતાવરણ યથાવત જ રહેશે. આજે ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે ૯ જાન્યુઆરીથી વાતાવરણ સૂકું થઇ જશે.

જેના કારણે ખેડૂતોને માવઠાની ચિંતાથી રાહત મળશે પરંતુ ઠંડીનો પારો ગગડશે. માવઠું પડ્યા બાદ ઠંડીનું જોર વધી જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાઈ જશે અને વાતાવરણ પણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

રાજ્યમાં ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર વધુ રહેશે. ત્યાર પછી ૧૬ થી ૧૮ જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવવા લાગશે. માવઠાને કારણે ખેડૂતોને માથે વધુ આફતો આવશે. માવઠાથી મકાઈ, રજકો, જીરૂં, ધાણા, ઘઉં, મેથી વગેરે જેવા રવિ પાકોને ભારે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. આ વખતે ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવેલા વાતાવરણના પલટાને કારણે ઠંડીમાં વધારો થયો છે. દિવસનું તાપમાન સામાન્યથી ઓછું નોંધાતા દિવસે પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ૬ જાન્યુઆરીએ કૃષિ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે કે, ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે. કૃષિ મંત્રીના કહ્યા પ્રમાણે હજુ રાજયમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. એકાદ-બે દિવસમાં વરસાદ પડે તેવું હોવાથી અત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરવો ફરજીયાત નથી, પણ આગાહીના દિવસો પુરા થાય એટલે પછી તરત જ સર્વે હાથ ધરવામાં આવશે. ખેડૂતોનું એવું કહેવું છે કે રવિ પાકમાં જીરુ, કપાસ, ઘઉ, રાયડો, ચણા, એરંડા, તુવેર, મરચાને નુકશાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *