પટેલ પરિવારના ત્રણ સભ્યોને કોર્ટે આપી આજીવન કેદની સજા, તાન્યા મર્ડર કેસનો ચુકાદો

વર્ષ ૨૦૧૭માં બનેલ નડિયાદનો ચકચારી માસૂમ તાન્યા અપહરણ અને હત્યા કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે આરોપી મિત પટેલને દોષિત ઠેરાવી દીધો છે. નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા આપવાનું એલાન કરવામાં આવ્યું છે. હત્યારા મિત પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ આ ત્રણેયને આજીવન કેદની સજા આપવામાં આવી છે. તો ત્રણેય દોષિતો હવે જ્યાં સુધી જીવે ત્યાં સુધી જેલમાં જ રહેશે.

આ ઉપરાંત ચાર લાખ રૂપિયાનું વળતર આપવા પણ કોર્ટે આદેશ લારી દીધો છે. ચુકાદા બાદ તાન્યાના દાદીએ ભાવુક થઈ અને કહ્યું કે, હત્યારાઓને તો ફાંસીની સજા થવી જોઈતી હતી. સાત વર્ષની માસૂમ બાળકી તાન્યાનું તેના પાડોશમાં જ રહેતા પરિવારે અપહરણ કરી અને હત્યા કરી નાખી હતી. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપી મીત પટેલના માથે લાખોનું દેવું થઈ જતાં તેણે આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. માસુમ તાન્યાનું અપહરણ કરી અને ૭૦ ફુટની ઉચાઈએથી મહીસાગર નદીમાં ફેંકી અને નિર્મમ હત્યા કરી નાખી હતી. 

૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ માસુમ તાન્યા જ્યારે પોતાના ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેનું અપહરણ કરી પછી તેની હત્યા કરવામાં આવી હતી. તાન્યા નડિયાદમાં તેના દાદી સાથે એકલી જ રહેતી હતી. તાન્યાના માતપિતા ઘણા વર્ષોથી લંડનમાં જ રહેતા હતા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ રાત્રે ૮ વાગ્યાની આસપાસ તાન્યાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર કૌભાંડમાં તાન્યાના પાડોશી મિત પટેલની સંડોવણીનો ખૂલાસો થયો હતો. તેણે ૧૫ દિવસ પહેલા જ તાન્યાના અપહરણનું કાવતરુ ઘડ્યું હતું.

૨૨ વર્ષના મીત પટેલના માથે ખુબ દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ કરી અને ખંડણી માંગવાનો પ્લાન રચ્યો હતો. તાન્યાના માતાપિતા લંડનથી રૂપિયા મોકલતા રહેતા હતા તે વાતની આરોપીને જાણ હતી. તેથી તેણે સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેણે બે મિત્રો કૌશલ પટેલ અને અજય વસાવાની સાથે મળીને આખો પ્લાન બનાવ્યો હતો.

જેમાં તેના માતા અને ભાઈની સંડોવણી પણ થયેલી હતી. મીત પટેલ તાન્યાનું અપહરણ કરીને તેને નડિયાદથી આણંદ લઈ ગયો હતો, બાદમાં તેને આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં તેને ફેંકી દીધી હતી. આ બાદ તે પોતાના ઘરે આવી ગયો હતો અને સોસાયટીના અન્ય રહીશોની મદદમાં આવી અને તાન્યાની શોધખોળનું નાટક પણ કર્યું હતું. પોલીસને તેના જાણકારો દ્વારા જ અપહરણ કરાયાની શંકા જતા જ મીત પટેલનો ભાંડો ફૂટી ગયો હતો.

તાન્યાના અપહરણ બાદ તેના દાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મીત પટેલનો પર્દાફાશ કરી દીધો હતો. પરંતુ માસુમ બાળકી તાન્યાને બચાવી શકાઈ ન હતી. મહીસાગર નદીના પટમાંથી ત્રણ દિવસ પછી તાન્યાની ડીસ્કમ્પોઝ થઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને જોઈને તેના માતાપિતા અને દાદી ખુબ જ ડઘાઈ ગયા હતા. આરોપી મીતનો તાન્યાની દાદી પાસેથી રૂપિયા ૧૮ લાખની ખંડણી માંગવાનો પ્લાન હતો. આ ચકચારી કેસમાં વર્ષ ૨૦૧૭માં આરોપીઓને કડક સજા થાય તે માટે નડિયાદ જાહેર જનતા દ્વારા ઠેર ઠેર પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.