સમાચાર

શું હજુ પણ કાતિલ ઠંડી રહેશે કે પછી ઠંડીમાંથી મળશે રાહત ? જાણો હવામાન વિભાગની આગાહી

છેલ્લા થોડા દિવસથી કાતિલ ઠંડીથી ઠુઠવાતા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીથી આંશિક રાહત મળશે. જો કે આગામી 3 થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડીગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં તેજ પવનોને કારણે ઠંડી રહેશે.

હવામાન વિભાગના અનુસાર 24 અને 26 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડી ઘટશે…અને તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. ગુરૂવારે નોંધાયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેર સૌથી વધુ ઠંડુંગાર રહ્યું. અમદાવાદમાં 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન.

જ્યારે દીવમાં 11 અને ડીસામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજ્યમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી તાપમાન 10.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર હોવાનુ સામે આવ્યુ છે. શહેરો તેમજ ગામડામાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા છે તો રાત્રિનાં સમયે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. જે ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનું જોર ઘટશે આગામી દિવસોમાં મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ર થી 4 ડિગ્રી સેલ્સીયસ સુધી ઉંચકાશે. રાજકોટનું લધુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેશે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર ઘટયું છે.

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગત સપ્તાહે હાજા ગગડાવતી ઠંડી પડયા બાદ હવે પારો ઉંચકાવા લાગ્યો છે. આગામી એક સપ્તાહ સુધી હજી ઠંડીમાં સતત ઘટાડો નોંઘશે. હાલ સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થઇ ગયા બાદ આવતા સપ્તાહથી ફરી રાજયમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના લોકોને આગામી ત્રણ દિવસ ઠંડીમાં થોડી આશિંક રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *