ગુજરાતમાં જ્યાં કાળઝાળ ગરમીના કારણે લોકો ખુબજ કંટાળી રહ્યા છે ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાએ લોકોને આંશિક રાહત આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત માછીમારોને 25 મેથી 29 મે સુધી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 29 મે સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. અને સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, ગઈકાલે પણ આખો દિવસ આકરો તાપ રહ્યા બાદ મોડી સાંજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ, ચોટીલા અને વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. તોફાની પવન સાથે વરસાદના પગલે ચોટીલામાં વીજપૂરવઠો ખોરવાયો હતો, તો રાજકોટ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.