ભરવાડ પરિવારના ત્રણ સભ્યોને મીઠાની ફેકટરી ભરખી ગઈ, દીકરીની સામે જ માતા-પિતા અને બહેન દટાયા, 3 બાળકો વેરવિખેર થયા
હળવદની જીઆઇડીસીમાં દીવાલ પડી જતા મોતને ભેટેલા ૧૨ લોકોમાં ૯ લોકો તો માત્ર બે પરિવારના જ સભ્યો છે. તેમાં એક પરિવારના છ લોકો અને બીજા પરિવારના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. જે ત્રણ લોકો મોતને ભેટી ગયા છે તે પરિવાર તો એક દિવસ પહેલા જ તેના વતનથી હળવદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દંપતી સહિત ત્રણ લોકોના મોત થઈ જતા ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
પરિવારજનોના મોતના પગલે પરિવારજનોમાં ખુબ જ ભારે આક્રંદ છવાઈ ગયો હતો. મીઠાની ફેકટરીમાં આજે જ્યારે દીવાલ ધરાશાયી થઈ ગઈ ત્યારે આશા ભરવાડ પણ ત્યાં ઘટનાસ્થળ પર જ હાજર હતી. દીવાલનો કાટમાળ પગ પર પડી જતા આશાને ઈજાઓ પહોંચેલી હતી. આશાની નજર સામે જ તેના પિતા ડાયાભાઈ ભરવાડ, માતા રાજીબેન ભરવાડ અને બહેન દેવીબેન ભરવાડ કાટમાળની નીચે દટાઈ ગયા હતા અને મોતને ભેટી ગયા હતા.
આ સમગ્ર ઘટનાની પ્રત્યક્ષદર્શી આશાએ એવું કહ્યું હતું કે, અમે કુંભાળીયા ગામેથી ગઇકાલે જ કોઈ મજૂરી કામ અર્થે અહીં આવ્યા બાદ આજે સવારે છ વાગ્યે ફેક્ટરીમાં પરિવારજનો સાથે મજૂરી કામ કરવા માટે ગયા હતા. જેમાં અમે સૌ પરિવારજનો એક જ જગ્યાએ મજૂરી કામ કરતા હતા ત્યારે અચાનક જ ધડાકાભેર દીવાલ નીચે પડી ગઈ હતી. જેમાં હું ભાગવા જતા મારા પગમાં ઈજાઓ પહોંચી ગઈ છે.
મારા માતા-પિતા સહિતના ત્રણ સભ્યો મારી નજરની સામે જ દીવાલ નીચે દટાઇ ગયા હતા. આ ઘટનામાં મારા ડાબા પગે ઇજાઓ પહોંચતા કેટલાક લોકો મને સારવાર અર્થે દવાખાને લઇ ગયા હતા. એ પછીનું મને કાંઇ પણ યાદ નથી એમ જણાવી અને આ માસુમ બાળા મોતને ભેટી ગયેલા પોતાના માતા-પિતા અને બહેનને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
ત્યારે ત્યાં ઘટનાસ્થળે હાજર સૌની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. હળવદની મીઠાની ફેકટરીમાં જે દુર્ઘટના ઘટી હતી તેમાં કચ્છના વાગડ પંથકમાંથી મજૂરી અર્થે આવેલા એક પરિવારના કુલ ૬ લોકો અને બીજા પરિવારના ૩ લોકો સહિત કુલ ૧૨ જેટલા લોકોના મોત થયા છે. મૃતકોમાં એક બે વર્ષના માસુમ બાળકનો પણ સમાવેશ થઈ ગયો છે.