કમોસમી વરસાદની આગાહી સાચી, અમરેલીમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત, પાક નુકસાનથી ખેડૂતો ચિંતિત

ગુજરાત રાજ્યમાં આગામી ૨૪ દરમિયાન છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારના સમયે ખેડા અને વલસાડ જિલ્લામાં હળવાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. તો ખેડા, ભાવનગર અને આણંદ ત્રણેય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ ગયો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છૂટાછવાયા કમોસમી વરસાદી છાંટા પડતાં જ કેરીના પાક પર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ આવેલો હતો.

એને લઈને આંબાવાડીમાં તૈયાર થતી પહેલા ફાલની કેરીઓમાં પણ નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગઇકાલે બુધવારના રોજ બપોર બાદ આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા વધી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી સવારે જિલ્લાના અમુક સ્થળો ઉપર જુદી જુદી જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.

રોડ ભીંજવી દે તેવો સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આવા વાતાવરણને લીધે ઉનાળુ પાકને માઠી અસર પહોંચશે તેમ ખેડૂતોનું કહેવું છે. ઠાસરા, ડાકોર તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો હતો. ઉનાળામાં વરસાદી છાંટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે આવા વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી જિલ્લાવાસીઓ હેરાન થઇ ગયા છે.

હવામાન વિભાગની અગાહીને લઇ અને અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠે વીજળીના કડાકાભડાકા પણ જોવા મળ્યા હતા. વરસાદ આવ્યો નહીં, પરંતુ ગાજ્યો ખુબ. ત્યારે રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર એક લોજિક પાર્ક આવેલો છે. ત્યાં નજીક એક પાણીની ખાડી આવેલી છે, એમાં માછીમારી કરી રહેલા એક ૩૫ વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જિલ્લામાં ગઇકાલ સવારથી જ વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા આવ્યા હતાં. અમરેલી શહેરમાં મધરાતે વરસાદી ઝાપટાં આવ્યા હતાં, જ્યારે દરિયાઈ બેટ રાજુલા શિયાળ બેટ અને પીપાવાવ વિસ્તારમાં વહેલી સવારે વીજળીના કડાકાભડાકા આકાશમાં જોવા મળી રહ્યા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યના વાતાવરણમાં આવા ભરઉનાળે પલટો આવી ગયો છે અને ૨૦ અને ૨૧ એપ્રિલના રોજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં કે છાંટાં પડતા જોવા મળી રહ્યાં છે, જે અન્વયે આજે સવારથી જ ભાવનગર શહેરમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. આકાશ વાદળો આચ્છાદિત બનવા સાથે સાથે ધૂળિયું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે.

આજે શહેરમાં હળવા ઝાંપટાં વરસે એવી શક્યતા રહેલી છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝરમર છાંટાં પડ્યાં હોવાના વાવડ સંભળાય રહ્યા છે. વાતાવરણમાં આવેલા પલટાને પગલે ફરી એકવાર ખેડૂતાના જીવ અધ્ધર ચડી ગયો છે, કારણ કે કેરી સહિતના બાગાયતી પાક ઉપરાંત ઉનાળુ મોલાત પશુચારો સાથે શાકભાજીની તૈયાર ફસલને આ માવઠા અને પલટાયેલા હવામાનની વ્યાપક પ્રમાણમાં અસરો થવાની સંભાવના રહેલી છે. એ ઉપરાંત જો વરસાદ થાય તો ખેત ફસલોને ભારે નુકસાન થઈ જશે.

એ જ રીતે પશુચારાનો મોટો જથ્થો પણ ખુલ્લાં વાડી-ખેતરોમાં પડેલો હોય છે, જો સામાન્ય વરસાદ કે છાંટાં પડે તો પણ આ પશુચારાને નુકસાન થઈ જશે અને આ જ સવારથી જ વાદળો છવાઈ ગયેલા હોવાથી લોકોને બળબળતા તાપથી મુક્તિ ચોક્કસ મળી છે, પરંતુ સાથે સાથે એ ભેજનું પ્રમાણ વધતાં બફારો અસહ્ય થઈ રહ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. એને પગલે વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે બપોરે ચોમાસા જેવો બફારો અનુભવવામાં આવ્યો હતો.

વહેલી સવારથી જ દાહોદ શહેર સહિત જિલ્લાના ગરબાડા, લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી જેવા તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ઘણાં સ્થળોએ સામાન્ય છાંટાં પણ પડ્યાં હતાં. આજના વાદળછાયા વાતાવરણની વચ્ચે ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી. અસહ્ય ગરમી તેમજ તાપના પ્રકોપે લોકો છેલ્લા કેટલાય દિવસોથી ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા.

ત્યારે આજના વાતાવારણને પગલે લોકોને ગરમીથી રાહત મળી ગઈ હતી. અગાઉ હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. જેને પગલે આ અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહી હતી. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતાં જ લોકોને ગરમીથી આંશિક રાહત મળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.