હેલ્થ

કાનમાં મેલ જામી ગયો છે તો તેને સાફ કરવા માટે અપનાવો આ દેશી નુસખાઓ

કાન શરીરનું એક મહત્વનું અંગ ગણાય છે. દિવસ દરમિયાન કેટલીય સારી અને ખરાબ વાતો આપણા કાન જ સાંભળતા હોય છે. પહેલા ઘરડા લોકો એવું કહેતા હતા કે “આંખ ભલે બંધ કરીને સુઈ જાવ, પરંતુ કાન હંમેશા ખુલ્લા રાખીને સુવું જોઈએ.” તો આ કાનને પણ સ્વચ્છ રાખવા એ પણ આપણી જ જવાબદારી છે. જો કાન સ્વચ્છ હશે તો જ આપણે બરાબર સાંભળી શકીશું.

આપણે જેટલી સફાઈ શરીરની કરીએ છીએ કાનની સફાઈ કરવી પણ એટલી જ જરૂરી છે. લોકો મોટાભાગે પોતાના શરીરને સાફ કરી લેતા હોય છે પરંતુ સાથે કાનને સાફ કરવાનું ભૂલી જતા હોય છે. જે માણસ કાન સાફ નથી રાખતો તેને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. કાનની સફાઈ ન કરવી એ મોટી બીમારીને આમંત્રિત કરે છે. કાનની સફાઈ ન કરવાથી અંદરનો મેલ જમા રહી જાય છે અને તેને લીધે કાનમાં દુઃખાવો થવાની સમસ્યા ઉભી થાય છે. તેનાથી કાનનું ઇન્ફેકશન થવાનો પણ ખતરો રહેતો હોય છે.

લાંબાગાળે વધુ મેલ જમા થઇ જવાના કારણે સાંભળવામાં પણ તકલીફ થઇ શકે છે અને ઘણીવાર તો અસહ્ય પીડાનો અનુભવ પણ થવા લાગે છે. જો તમને પણ કાનમાં દુઃખાવો રહે છે કે તમે પણ તમારા કાનની સફાઈ લાંબા સમયથી નથી કરી તો આજે અમે તમને કાન સાફ કઈ રીતે કરવા તેના ૫ મહત્વપૂર્ણ સરળ ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો અપનાવીને પૈસા ખર્ચ કર્યા વગર જ તમે તમારા કાનની સફાઈ કરી શકો છો.

૧. પહેલો ઉપાય: જયારે તમે નાહવા બેસો છો ત્યારે કાનની અંદર થોડું ગરમ પાણી નાખી દો. નહાયા પછી ભીના કપડાં કે ઈયરબડથી કાનને સાફ કરી નાખો. આ એક સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. નાહ્યાં પછી કાનનો મેલ એકદમ નરમ બની જાય છે અને તેને આસાનીથી બહાર કાઢી શકાય છે.

૨. બીજો ઉપાય: બીજો ઉપાય એ છે કે ઓલીવ ઓઈલથી પણ કાનની ગંદગી સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે તમારે રાત્રે જયારે સુવો ત્યારે ઓલીવ ઓઇલના અમુક ટીપાં કાનમાં નાખી દો. લગભગ ૩ થી ૪ દિવસ સુધી આવું કરવાથી મેલ એકદમ નરમ બની જશે. અને મેલ સરળતાથી બહાર આવી જશે.

૩. ત્રીજો ઉપાય: ત્રીજો ઉપાય એ છે કે તમે બેબી ઓઈલની મદદથી પણ કાનની ગંદગી સાફ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા બેબી ઓઈલના અમુક ટીપાં કાનમાં નાખી અને રૂ લગાવી લો. તે તમારા કાનમાં જામેલા મેલને થોડી જ વારમાં નરમ બનાવી દેશે. જેનાથી મેલ સરળતાથી બહાર આવી જશે.

૪. ચોથો ઉપાય: ચોથો ઉપાય એ છે કે હાઈડ્રોજન પૈરાઓક્સાઈડ અને પાણીનાં અમુક ટીપાં બરાબર માત્રામાં લઈને તેને તમારા કાનમાં નાખી દો. જ્યારે કાનમાં તે સરખી રીતે ચાલ્યું જાય ત્યારે અમુક સમય સુધી તેને એમ જ રહેવા દો. ત્યાર બાદ કાનને નમાવીને તેમાંથી પાણી બહાર કાઢી નાખો. પણ ધ્યાન રાખો કે હાઈડ્રોજન પૈરાઓક્સાઈડની માત્રા ૩ ટકાથી વધુ કાનમાં ન જવી જોઈએ. આ પ્રયોગથી કાનની ગંદગી સરળ અને યોગ્ય સાફ કરી શકાય છે.

૫. પાંચમો ઉપાય: પાંચમો ઉપાય એ છે કે સૌથી પહેલા અડધો કપ ગરમ પાણી લઇ તેમાં એક ચમચી મીઠું ભેળવો. મીઠાને પાણીમાં ઓગાળી નાખો. ત્યારબાદ એક રૂનો નાનો ટુકડો લો અને પાણીમાં ભીનો કરી. રૂને કાનની અંદર નીચવી નાખો. અડધી મિનિટ બાદ કાનને નમાવી કાનમાં રહેલું એ પાણી બહાર કાઢી નાખો. આમ કરવાથી કાનમાં રહેલો મેલ બહાર નીકળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *