હેલ્થ

કાનનો મેલ સાફ કરવા ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો…

જાણતાં-અજાણતાં જીવનમાં આપણે એવી કેટલીક આદતો અપનાવી લેતા હોઈએ છીએ જે આપણા શરીરને ખૂબ નુકસાન પહોંચાડી શકવાની ક્ષમતા ધરાવતી હોય છે, પરંતુ એનો અહેસાસ આપણને હોતો નથી. વળી મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે આપણે અમુક આદતોને હેલ્ધી આદત માનીને અપનાવી હોય. આવી જ એક આદત છે રૂની સળી એટલે કે કૉટન ઈયર-બડ્સ વડે કાનમાંથી મેલ કાઢવાની આદત. સામાન્ય રીતે આ ઈયર-બડ્સને લોકો કાનના છિદ્રમાં અંદર નાખીને પીળો મીણ જેવો પદાર્થ બહાર કાઢતા હોય છે.

પીળા મીણ જેવા ચીકણા પદાર્થને આપણે કાનનો મેલ ગણીએ છીએ અને મોટા ભાગના લોકોને આ રીતે કાન સાફ કરવાની જરૂરિયાત દર અઠવાડિયે-પંદર દિવસે પડતી હોય છે. આપણામાંથી ઘણા લોકો એવા પણ છે જેમને કાન સાફ કરવા કરતાં આ ઈયર-બડ્સ વડે કાન ખોતરવાની ખૂબ મજા પડતી હોય છે. લોકો સાથે વાત કરતાં-કરતાં કે ટીવી જોતાં-જોતાં તેમનું આ કાન ખોતરવાનું કાર્ય ચાલુ જ હોય છે. તેમની આ આદત એટલીબધી વધી જાય છે કે જો તેમને દિવસમાં એક વખત આ રીતે કાન ખોતરવાને મોકો ન જડે તો તેઓ બેચેન થઈ જાય છે. કાનને કૉટન ઈયર-બડ્સથી સાફ કરવાની કે ખોતરવાની આ ટેવ કેટલા અંશે હેલ્ધી છે કે એ કાનને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે છે કે નહીં એ આજે જાણીએ.

કૉટન બડ્સનો ઉપયોગ કૉટન ઈયર-બડ્સની ઘણીબધી બ્રૅન્ડ બજારમાં ઉપલબ્ધ છે. અમુક લોકલ કે ચીલાચાલુ બ્રૅન્ડ્સને છોડતાં લગભગ બધાં જ પૅકેટ્સ પર આ કૉટન ઈયર-બડ્સને વાપરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત લખેલી જ હોય છે. એક જાણીતી બ્રૅન્ડના ઈયર-બડ્સમાં બૉક્સ પાછળ લખેલી સૂચના આ મુજબ છે. ‘કાનની આજુબાજુ અને બહારની ત્વચા પર દેખાતી ધૂળ અને મીણ જેવા ચીકણા પદાર્થને સાફ કરવા માટે ઉપયોગમાં લો.

ઈયર કનૅલ એટલે કે કાનના છિદ્રની અંદર જે માર્ગ છે એના ઊંડાણમાં ઈયર-બડ્સ ન નાખો. વારંવાર એને અંદર નાખશો તો ધૂળ કે મીણ જેવો પદાર્થ કાનની વધારે અંદરના ભાગમાં જતો રહેશે જેનાથી સાંભળવામાં તકલીફ ઊભી થઈ શકે છે. બાળકોની ઈયર કનૅલમાં એનો ઉપયોગ ન જ કરવો. કોઈ પણ પ્રકારનો પ્રૉબ્લેમ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.’ ભણેલા-ગણેલા હોવા છતાં કૉટન બડ્સના પૅકેટ પર લખેલી આ સૂચના કેટલા લોકોએ વાંચી હશે? અને એનો અમલ કેટલા લોકો કરતા હશે?

નુકસાન શું? કૉટન ઈયર-બડ્સને આપણે કાનના છિદ્રમાં નાખીને જે રીતે કાન સાફ કરીએ છીએ એ આદત તદ્દન ખોટી છે એવું જણાવતાં કાન, નાક, ગળાના સ્પેશ્યલિસ્ટ ડૉ. ભરત જોબનપુત્રા જણાવે છે, ‘જ્યારે ઈયર કનૅલમાં બડ્સ નાખવામાં આવે છે ત્યારે અંદર રહેલું વૅક્સ જેટલું ઈયર-બડ્સ પર ચોંટે છે એના કરતાં વધારે પ્રમાણમાં અંદર ધકેલાય છે. એને કારણે દુખાવો, અમુક પ્રકારનું ખોટું દબાણ અને ટેમ્પરરી સાંભળવામાં પ્રૉબ્લેમ ઊભો થઈ શકે છે. વળી જો કૉટન બડ ભૂલથી વધારે અંદર જતું રહે તો કાનનો પડદો ફાટી જાય અથવા એ ડૅમેજ થઈ શકે જેને કારણે કાનમાંથી બ્લીડિંગ થવા લાગે.

વળી કાનની ચામડી ખૂબ નાજુક હોય છે. રૂના ઉપયોગથી એ છોલાઈ જાય એવું બને. ઘણી વખત વ્યક્તિ જેને મેલ માનતી હોય છે એ તેની ચામડી હોય છે. આ રીતે છોલાઈ જવાથી અંદર ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. ઘણી વાર કાનમાં પસ એટલે કે રસી થઈ જતાં હોય છે. એનું કારણ કૉટન બડ્સથી છોલાયેલી ચામડી હોય છે. મોટા ભાગે ઈયર-બડ્સથી થયેલી ઇન્જરી નાની હોય તો પોતાની રીતે હીલ થઈ જતી હોય છે, પરંતુ એને કારણે કાનની અંદર રહેલાં નાનકડાં હાડકાંઓને ડૅમેજ કરે છે જેને કારણે કાયમી ધોરણે બહેરાશ આવવાની શક્યતા રહેલી હોય છે.’

કાનના વૅક્સનું મહત્વ કાનમાં કૉટન બડ્સ નાખીને આપણે જે પીળા મીણ જેવી વસ્તુને મેલ સમજી કાઢી નાખતા હોઈએ છીએ એ ખરેખર તો ખૂબ કામની વસ્તુ છે એમ સમજાવતાં ડૉ. ભરત જોબનપુત્રા કહે છે, ‘એ સમજવાની જરૂર છે કે આ પીળું વૅક્સ એ એક કુદરતી રચના છે જેનું ઘણું મહત્વ છે, કારણ કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ કારણ વગરની હોતી નથી. એ એક કુદરતી રક્ષાકવચ છે જેને કારણે બહારના વાઇરસ-બૅક્ટેરિયા કાનમાં સરળતાથી પ્રવેશી શકતા નથી.

વળી એ કાનને ડ્રાય રાખે છે અને આમ ઇન્ફેક્શનથી બચાવે છે. આમ એને દૂર કરવાની જરૂર હોતી જ નથી. કોઈક એકાદ કન્ડિશનમાં એવું ચોક્કસ બને કે આ વૅક્સ ખૂબ વધારે જમા થઈ જાય જેને કારણે કાનનો પડદો દેખાતો બંધ થઈ જાય. આવી કન્ડિશનમાં વ્યક્તિએ ડૉક્ટર પાસે જવું જોઈએ જે વધારાનું વૅક્સ હટાવી શકે છે. પોતાની જાતે આ વૅક્સ સાથે કોઈ ચેડાં કરવાં યોગ્ય નથી.’

કુદરતી સફાઈ કુદરતી રીતે કાનની રચના એવી બનાવવામાં આવી છે કે એ પોતાની રીતે જ સાફ થઈ જતા હોય છે. કાનમાં રહેલી ફૅટ્સ અને તૈલી ત્વચા કોઈ પણ બહારના ન જોઈતા પાર્ટિકલ્સ, ધૂળ અને મેલને વૅક્સ એટલે કે મીણ જેવા સ્વરૂપમાં ફેરવી કાનની બહાર આપણને ખ્યાલ ન આવે એ રીતે ફેંકી દેતી હોય છે. આમ એની રચના જ એવી રીતે થઈ છે કે જે પણ કાન માટે બિનજરૂરી અથવા વધારે પ્રમાણમાં હોય એ બહાર ફેંકાઈ જાય છે.

એમાં આપણાં જડબાંની ચાવવાની પ્રક્રિયા મુખ્ય ભાગ ભજવે છે. એની આ ગતિ કાનની ઇન્ટરનલ ક્લીનિંગ પ્રોસેસને મદદરૂપ છે એવું અમેરિકન હિયરિંગ રિસર્ચ અસોસિએશન જણાવે છે. આમ જો કાનને સાફ કરવા હોય તો એની બહાર દેખાતી ચામડીને જ સાફ કરવી. એના છિદ્રમાં કોઈ પણ વસ્તુ દ્વારા મેલ કાઢવાની કોશિશ ક્યારેય કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *