ગ્રીષ્મમાના હત્યારાને આજીવન કેદ કે ફાંસી? કોર્ટ આજે ફેનીલને સંભળાવશે સજાનું ફરમાન

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ સ્પીડી ટ્રાયલના અંતે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કરી દીધો છે. જજે હત્યારા ફેનિલને પૂછયું કે તમે એક નિઃસહાય યુવતીનો વધ કર્યો છે. મને મળેલી સત્તાની રૂએ મારી કલમ દ્વારા તમારો વધ કેમ ન કરવો જોઈએ? તે બાબતે તમારે શું કહેવું છે? ચૂપચાપ કઠેરામાં ઊભેલો ફેનિલ મૌન રહી ગયો હતો. આવતીકાલે સરકાર અને બચાવ પક્ષ વચ્ચે સજાના મુદ્દે કોર્ટમાં દલીલ કરવામાં આવશે.

સુરતના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં ગત તા. ૬ ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ સરજાહેરમાં હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ ફેનિલની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે માત્ર સાત દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ દાખલ કરી દીધી હતી. ૬૯ દિવસની સુનાવણીમાં ફરિયાદ પક્ષે કુલ ૭૫ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

અંદાજિત ૯૦ જેટલા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવામાં મેડિકલ, ફોરેન્સિક, ટેક્નિકલ પુરાવા, સરકારી વકીલની દલીલ અને બચાવપક્ષની કાઉન્ટર દલીલો બાદ ગુરુવારે કોર્ટે ચુકાદો જાહેર કરી દીધો હતો. જિલ્લા મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસે આરોપી ફેનિલ ગોયાણીને દોષી ઠેરવી દીધો હતો.

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ ૧૦૫ માંથી ૮૫ સાક્ષી ડ્રોપ કરી અને પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરતાં કોર્ટે આરોપી ફેનિલને હત્યા, હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવી દીધો છે. દોષિત આરોપી ફેનિલને કેટલી સજા કરવી તે અંગે કોર્ટમાં દલીલ કરવામાં આવશે. સરકાર પક્ષ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી અને તેને ફાંસી સજા થાય તેવી માંગણી પણ કરશે.

કોર્ટે બચાવપક્ષની લેખિત દલીલોને પણ નકારી કાઢી છે. બચાવ પક્ષના ટયૂટર સાક્ષીની દલીલને પણ નકારી કાઢી છે. બે વીડિયો ક્લીપને કોર્ટે ધ્યાનમાં રાખી અને ભોગ બનનાર મરી ન જાય ત્યાં સુધી કોઇને ત્યાં ન આવવા દેવા અને લોહીના ફુવારા છૂટવા છતાં પણ આરોપી ખિસ્સામાંથી કંઈ કાઢીને ખાતો હોય છે. તેને કોઇની પ્રત્યે સહાનુભૂતિ હોવાનું પણ જણાતું નથી, તેવું પણ નોંધવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.