સમાચાર

ગ્રીષ્મ જેવી હાલત કરી નાખી કહીને ધમકી આપી પત્ની સાથે ઝઘડો કર્યો, ફીનાઈલ ગટગટાવી ગયો અને બાદમાં પત્નીને પણ પરાણે ફીનાઈલ પીવરાવી દીધી

રાજકોટ શહેરમાં ‘હું તારી હાલત ગ્રીષ્મા જેવી કરી નાખીશ’ની ધમકી આપી અને એક ટ્રાફિક વોર્ડને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા પતિએ રોષમાં આવી ફિનાઈલ પી લીધી હતી. બાદમાં પત્નીને પણ પરાણે ફીનાઈલ પીવડાવી દીધી હતી. બાદમાં બંને સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગયા હતા. અને ત્યાં ફરજ પરના તબીબે પોલીસને જાણ કરી દેતા હોસ્પિટલ ચોકીએ આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે બંનેના નિવેદન નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી લીધી છે.

ચાર વર્ષ પહેલા આ બંનેના લવમેરેજ થયેલા હતા. પત્‍નીએ આક્ષેપ સાથે એવું જણાવ્યું હતું કે, મારા પતિએ મને બે વર્ષ સુધી સરખી રીતે સાચવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી મારા પર શંકા કરી અને માર મારી રહ્યો છે. ગઇકાલે મને પાઇપથી ફટકાર્યા બાદ આજે સવારે ઈંટ પણ મારી હતી અને બાદમાં ફિનાઇલ પી અને મને પણ પીવડાવી દીધું હતું. જોકે પોતે ફિનાઈલનો ઘૂંટડો ગળા નીચે ઉતરવા નહોતો દીધો અને પાછું બહાર કાઢી નાખ્યું હતું.

પરંતુ મને ગળે ફિનાઈલનો ઘૂંટડો નીચે ઉતરી જતા તાત્કાલિક પાડોશીઓએ મારા પિતાને જાણ કરતા અમે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ પતિએ જો તારા માતા-પિતાને ઘરે જઈશ તો તારી ગ્રીષ્મા જેવી હાલત કરી નાખીશની ધમકી આપેલી હતી. પરિણીતાએ પોલીસ સમક્ષ એવું જણાવ્યું હતું કે, અમારે કોઈ સંતાન નથી. પતિ ચાર વર્ષથી ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરી રહ્યો છે.

તે સતત મારા પર શંકા કર્યા કરે છે અને ટ્રાફિક વોર્ડન તરીકેનો રોફ જમાવી અને ધમકી આપ્યા કરે છે. નોકરી પર જાય ત્‍યાં પણ તેની હાજરી પુરાવીને ઘરે પરત આવી જાય છે. બંદોબસ્‍ત હોય ત્‍યારે પણ માત્ર ત્રણ ચાર કલાક નોકરી કરે છે. મારે મારા પિયરમાં જવું હોય તો પણ ના પાડી અને મારી સાથે ઝઘડો કરે છે. ગઇકાલે મેં પિયરમાં મળવા જવાની વાત કરતા મને પાઇપથી ફટકારી હતી.

મારા માતા-પિતા રણુજા મંદિરની પાસે રહે છે. આજે પણ સવારે પતિએ મને ઈંટ મારી હતી અને મારી સાથે ઝઘડો કરીને પોતે થોડી ફિનાઇલ પી ગયો હતો અને બાદમાં મને પણ પીવડાવીને ભાગી ગયો હતો. એ પછી મારા માતા-પિતાને જાણ થતાં જ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. પાછળથી પતિ પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.

રાજકોટ શહેરના ગજેરા પાર્કમાં રહેતી એક પરિણીતા સવારે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ ગઈ હતી. પોતાને પતિએ ફિનાઇલ પીવડાવી દીધી હોવાનો આક્ષેપ કરતાં તબીબે પોલીસ ચોકીમાં જાણ કરતાં આજીડેમ પોલીસને જાણ કરી દીધી હતી. બીજી તરફ પતિ પણ તેની સારવાર માટે દાખલ થઈ ગયો હતો અને તેણે પોતે ફિનાઇલ પી લીધી છે તેવું કહેતાં તેને તબીબે તેને દાખલ કરી પોલીસને જાણ કરી દીધી હતી. આજીડેમ પોલીસે બંનેના નિવેદન નોંધી અને તપાસ હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.