મીરા હત્યા કેસમાં મોટો ખુલાસો: મીરાની ચુંદડીથી જ સંદીપે હત્યા કરી હતી, લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતા ગુસ્સે થઈને…

વડોદરા શહેરના મીરા હત્યા કેસને નર્મદા પોલીસે ઉકેલી કાઢ્યો છે અને સંદીપે જ ચૂંદડી વડે ગળેફાંસો દઇને મીરાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. મીરાની હત્યાર કરનાર સંદીપે પોલીસથી બચવા માટે પોતાનો વેશ બદલી નાખ્યો હતો. તેણે માથાના બધા વાળ પણ કઢાવી નાખ્યા હતા, તેમ છતાં પોલીસથી તે બચી શક્યો નહોતો. નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ એવું જણાવ્યું હતું કે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સંદીપ મકવાણા વડોદરામાં હોવાની જાણકારી મળતાં અમારી ટીમ રવાના થઇ ગઈ હતી.

તેની અટકાયત કરવામાં આવી અને પૂછતાછ દરમિયાન તેણે ગુનો કબૂલી લીધો હતો. સંદીપ અને મીરા વચ્ચે ૪ વર્ષથી સંબંધ હતો અને સંદીપ મીરા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. સંદીપે મીરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો હતો. જોકે યુવતીએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેથી ગુસ્સે થઇ અને યુવતીની ચૂંદડીથી ગળેફાંસો દઇને હત્યા કરી નાખી હતી અને લાશને કેસરપુરા વિસ્તારમાં ફેંકીને ભાગી ગયો હતો. બીજા દિવસે લાશને જોવા માટે પણ તે ત્યાં આવ્યો હતો. અને તેની ધરપકડ કરી લીધી છે.

ચૂંદડી પણ જપ્ત કરી લીધી છે. યુવતીનો મોબાઇલ હજુ સુધી જોવા મળ્યો નથી. તેણે પ્રી-પ્લાન હત્યા કરી હતી. બંને વચ્ચે કેવા સંબંધો હતા એ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી ૨૦ વર્ષીય યુવતી મીરા સોલંકી એકાએક ગુમ થઈ જતા પિતા નિલેશભાઈ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી દીધી હતી. દરમિયાન મીરા સોલંકીની રહસ્મય સંજોગોમાં તિલકવાડા નજીક કેસરપુરા ગામ નજીક ખેતરમાંથી લાશ મળી આવતાં ખુબ જ ચકચાર મચી જવા પામી હતી.

બીજી બાજુ, નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલા ખેતરમાંથી મીરાની લાશ મળી આવતાં તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ શરુ કરી હતી. મીરાની લાશના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતા મીરાનાં પરિવારજનો તિલકવાડા આવી પહોંચ્યા હતા અને એ લાશ પોતાની જ પુત્રી મીરાની હોવાની ઓળખ પણ આપી હતી. ત્યાર બાદ તિલકવાડા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ મીરાની હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરુ કરી હતી.

મીરા જ્યારે ઘરેથી નીકળી હતી ત્યારે મીરાએ તેની પિતરાઈ બહેનને વ્હોટ્સએપ પર મેસેજ કરીને એવું જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું, તમે ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પહોંચી જઇશ. નર્મદા પોલીસે એ મેસેજને આધારે હત્યારાને શોધવાના પ્રયાસો શરુ કર્યા હતા. આ મેસેજ પરથી સંદીપ મકવાણા પર પોલીસને શંકા થઇ ગઈ હતી અને સંદીપને શોધવાનાં ચક્રો ગતિમાન કરી દીધા હતાં. યુવતીની હત્યા બાદ તેનો મિત્ર સંદીપ મકવાણા ગુમ થયેલો હતો. પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ હતી.

સંદીપ મકવાણા વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી ચુકી હતી. મીરાનાં પરિવારજનોને પણ એવી જાણકારી મળતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયાં હતાં. નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને સંદીપ મકવાણાને શંકાને આધારે ૨૨મી એપ્રિલના રોજ ઝડપી પાડ્યો હતો. પોલીસ સંદીપને લઇને મામલાની વધુ પૂછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લીધો હતો.

હત્યા કર્યા પછી સંદીપ નસવાડીમાં જ રોકાઈ ગયો હતો. સોલર અંગેનું કામ કરતી એજન્સીની એક ઓફિસ વડોદરામાં આવેલી છે જયાં સંદિપ કામ કરતો હતો. એજન્સીની એક ઓફિસ નસવાડીમાં હતી જયાં કેટલાક કર્મી ઓળખતા હોવાથી સંદિપ ત્યાં જ રોકાઈ ગયો હતો. પોલીસથી બચવા ત્યારબાદ તે ડભોઈ એક હોટલમાં નોકરી કરી રહ્યો હતો. તેણે તેનું એકિટવા ડભોઈ-બોડેલી રોડ પર ફેંકી દીધું હતું. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ એવું જણાવ્યું હતું કે સંદીપ હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો હતો. પીએમમાં દુષ્કર્મની કોઈ બાબત સામે આવી નથી પરંતુ તપાસમાં બહાર આવશે તો કલમનો ઉમેરો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.