લવજેહાદ પ્રકરણમાં એક નવો વળાંક, મહિલાએ પોલીસને અરજી કરી કે મારે માતા-પિતા સાથે નહિ પણ આની સાથે…
નડિયાદના લવ જેહાદ કેસમાં નાટ્યાત્મક એક વળાંક આવ્યો છે. પોતાના પર શારીરિક અને માનસિક અત્યાચાર થયો હોવાની ફરિયાદ કરનાર યુવતીએ નાટ્યાત્મક રીતે અગાઉના નિવેદનોથી પલટી મારી લીધી છે. મંગળવારના રોજ ભોગ બનનાર યુવતીએ પોલીસને એવી અરજી આપી છે, જેમાં તેણીને યાસર સાથે પ્રેમ હોવાનું અને તેની સાથે લગ્ન કરી, તેની સાથે જ રહેવાની ઈચ્છા હોય, યાસરને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત પોલીસને કરી છે. ત્યારે યુવતીએ અગાઉ યાસર સહિત તેના પરિવાર પર ગંભીર આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી તે સાચી કે પછી અત્યારે બચાવ કરીને અરજી આપી તે સાચી? આ વેધક સવાલ ખુબ જ ઊંડી તપાસ માગી લે એવો છે.
મંગળવારના રોજ એક તરફ યુવતીએ પોલીસને અરજી આપી અને બીજી તરફ યાસરની જામીન અરજીને પાછી ખેંચાતા યુવતીનો નિર્ણય મરજીથી કે દબાણથી તે એક તપાસનો વિષય બની ગયો છે. ગત ૨૪ માર્ચના રોજ નડિયાદની રીચા દ્વારા યાસરખાન પઠાણ અને તેના પરિવારજનો સહિત કુલ ૧૦ ઈસમોની વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવો, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા, તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં નોંધાવવામાં આવી હતી.
જેમાં મુખ્ય આરોપી યાસરખાન પઠાણ દ્વારા કેવી રીતે તેણીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર તેની પર બળાત્કાર ગુજાર્યો, એકલી વિદેશ મોકલી દીધી અને પરત આવ્યા બાદ પણ ભાડાના મકાનમાં ગોંધી રાખી યાસર સહિત તેના ભાઈ, પિતા, માતાં સહિતના પરિવારજનોએ અનેક પ્રકારે તેની ઉપર અત્યાચાર ગુજાર્યો હોવાની રુંવાડા ઊભા કરી દેતી માહિતી સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી. ગુનાની ગંભીરતાને પગલે ૨૪ કલાકમાં જ મુખ્ય આરોપીના ભાઈ, પિતા, માતા સહિત ૭ લોકોને ઝડપથી જ જેલ ભેગા કરી દેવાયા હતા.
જેના ૧૭ દિવસ બાદ ૧૧ એપ્રિલના રોજ થાકી અને હારીને આરોપી યાસર પણ પોલીસના શરણે આવી ગયો હતો. પરંતુ ૨૬ એપ્રિલ મંગળવારના રોજ ભોગ બનનાર યુવતી પોલીસ પાસે પહોંચી ગઈ હતી, અને જાણે કે તેનું માઈન્ડ એકદમ વોશ થઇ ગયુ હોય તેમ યાસર તરફે જે અરજી રજૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રીચાએ યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી રહેવા માંગતી હોય અને યાસરને છોડવા માટે રજૂઆત કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.
જે રીતે સમગ્ર કેસમાં વળાંક આવી ગયો છે, તેને જોતા જ ધારાશાસ્ત્રીઓનું એવું માનવું છે કે, આરોપી તરફે વકીલ હવે યુવતીનું એફિડેવિટ રજૂ કરી અને યાસર સહિત તમામ આરોપીઓને જામીન પર છોડાવવા માટે અરજી કરી શકે છે. બીજી તરફ સમગ્ર કેસને વિડ્રો કરવા માટે હાઇકોર્ટમાં પણ અરજી થઇ શકે છે.
અગાઉ પોલીસ ફરિયાદમાં કરેલા નિવેદનોથી અત્યારે ફરી ગયેલી રીચાએ પોલીસ બંદોબસ્ત પણ લીધો છે અને હવે તેણી માતા-પિતાનું ઘર છોડી અને યાસરના મિત્રના ઘરે રહેવા પહોંચી ગઇ છે. પોલીસ તરફથી સરકારી ખર્ચે ૧ મહિલા અને ૧ પુરુષ કોન્સટેબલ બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા છે. જોકે તેણીને કોનો ડર લાગે છે, અને શા માટે બંદોબસ્તની માંગણી કરી છે તે જાણી શકાયું નથી. પરંતું આ ઘટનાક્રમથી રીચાના માતા-પિતા પર આભ ફાટી પડ્યું છે.
ચરોતર સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાના એરણે ચઢેલા લવ જેહાદ કેસમાં ભોગ બનનાર યુવતી યાસરને જામીન પર છોડવાની અરજી લઈ અને સોમવારના રોજ કોર્ટમાં પહોંચી ગઈ હતી. ત્યારે યાસર તરફથી વકીલોના ધાડેધાડા કોર્ટમાં ઉતરી પડ્યાં હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે. જો ચર્ચામાં તથ્ય હોય તો યુવતી સાથે આટલા બધા વકીલો મોકલ્યા કોણે ? તે બાબત ખુબ જ વિસ્તૃત તપાસ માંગી લે છે. કોર્ટે પોલીસમાં અરજી આપવાનું કહેતાં જ મંગળવારના રોજ યુવતીએ પોલીસને અરજી આપી અગાઉ ફરિયાદમાં કરેલા આક્ષેપથી વિપરીત યાસરને છોડી દેવા માટે અરજી કરી હતી.