વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિવારના મોભીએ પોતાનું જીવન ટુંકાવ્યું, વ્યાજે પૈસા ચૂકવી દીધા બાદ પણ…

પાટણમાં એક ૬૧ વર્ષીય વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી રહી છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. પાટણ શહેરમાં આવેલા વાળીનાથ ચોક, ગોકુલ વાટીકા મકાન નંબર ૭માં રહેતા કાનજીભાઈ રબારીએ ૨ લાખ રૂપિયા ૧૦ ટકાના વ્યાજે અમરત દેસાઈ, ધમસી દેસાઈ અને દિનેશ દેસાઈ પાસેથી લીધેલા હતા. જે વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ કાનજીભાઈ રબારીએ એડવાન્સ પેટે આપેલો એક ચેક પરત ન આપી અને વધુ પૈસાની માંગણી કરીને ચેક રિટર્ન કેસ કરવાની ધમકી આપી હતી.

વધારે પૈસા માટે વારંવાર માગણી કરી અને માનસિક ત્રાસ આપી બુધવારે રાત્રે જ ફોન પર પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને આત્મહત્યા કરવા કરવા મજબુર કરતા કાનજીભાઈએ ઝેરી દવા પી અને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. આ અંગે મૃતકના પુત્ર પરીક્ષિત કાનજીભાઈ રબારીએ બી ડિવિઝન પોલીસ નોંધાવી દીધી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કરી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.

૨ લાખ રૂપિયા ૧૦ ટકાના લેખે લીધા હતા, ૩ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો :ત્યાંના પી.આઈ શક્તિસિંહ ગોહિલેએ એવું જણાવ્યું હતું કે વિસ્તારમાં રહેતા ત્રણેય ઇસમો પાસે મૃતકે ૨ લાખ રૂપિયા ૧૦ ટકાના દરે વ્યાજ લીધા હતાં. અને એડવાન્સ ચેક પણ તેમને આપેલા હતો. જે પરત ન આપી અને શખ્સો દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક આરોપી આઈબીમાં પોલીસ કર્મચારી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી ચુક્યું છે. હજી વધુ વિગતો આરોપીઓ પકડાયા જાણવા મળશે.

મૂળ રકમ કરતાં પણ 5 ગણા પૈસા આપ્યા છતા હેરાન કરતા હતા :મૃતક શિક્ષકની પત્ની સીતાબેને ચૌધાર આંસુઓ સાથે એવું જણાવ્યું હતું કે અડધી રાત્રે એમને મારા પતિને ફોન કર્યો હતો. અમારે જે રૂપિયા આપવાના થતા હતા એના કરતાં અમે પાંચ ઘણા પૈસા આપ્યા છે. અમારી પાસેથી તેમણે ૩૩ ટકા તો વ્યાજ લીધું છે. મારા પતિ એમના કારણે જ મર્યા છે અમને જરૂર ન્યાય મળવો જોઈએ.

આરોપીમાંથી એક તો પોલીસકર્મી હોય અને ઘરે આવી રોફ મારી ખોટા કેસની ધમકી આપતો હતો : પુત્ર મૃતકના પુત્ર પરીક્ષિતે એવું જણાવ્યું હતું કે પિતાએ તેની પાસેથી જેટલા પૈસા લીધા તેના કરતાં વધુ તો મારા પિતાએ ચૂકવ્યા છે, તેમનું આખું પેન્શન પૈસા ભરવામાં ચાલ્યું ગયું છે. છતાં તેઓ ઉઘરાણી બંધ કરતા ન હતા. ત્રણેય શખ્સોમાંથી દિનેશ પોલીસ કર્મચારી હોય અને પોલીસનો ખોટો રોફ કરી અને પૈસા આપ નહિ તો ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપી રહ્યો હતો. બધા ફોન પર અને રૂબરૂ ઘરે આવીને ખુબ જ માનસિક ત્રાસ આપી રહ્યા હતા. જેથી મારા પિતાથી સહન ન થતા તેમણે આ પગલું ભર્યું છે.

મૃત્યુ પહેલા મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ :આ ત્રણેય લોકો મને જીવવા દે એમ જ નથી હું માનસિક રીતે ખુબ જ કંટાળી ગયો છું : શિક્ષક હું કાનજીભાઈ રબારી માનસિક રીતે ખુબ જ કંટાળી ગયેલ છું. દેસાઈ અમરતભાઈ બ્રહ્માણીનગરમાં રહે તથા ધમસીભાઈ તળજાભાઈ દેસાઈ ગોકુલવાટિકામાં રહે તથા દેસાઈ દિનેશ અમરતભાઈ પાનેશ્વર સોસાયટી પાટણમાં રહે આ ત્રણેય લોકો મને ખુબ જ માનસિક ત્રાસ આપી રહ્યા છે મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકીઓ પણ આપે છે.

એમને મેં સેફ્ટી માટે આપેલા ચેકનો દુરુપયોગ કરી અને મને રોજ માનસિક હેરાન કરી રહ્યા છે આ લોકો મને અને મારા પરિવારને હવે જીવવા દે તેમ નથી. આ લોકોનું જૂથ બળ હોવાથી અને માથાભારે માણસો હોવાથી હું અને મારા પરિવાર આ લોકોથી ખુબ જ ફફડી રહ્યા છીએ. મારો પરિવાર આ લોકોથી બિલકુલ સુરક્ષિત નથી. આ લોકોએ મારું અને મારા પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું છે. અને આ લોકોના માનસિક ત્રાસના લીધે જ મારે આ પગલું ભરવું પડ્યું છે મારા મૃત્યુ અને મારી આત્મહત્યાના સંપૂર્ણ જવાબદાર આ ત્રણેય લોકો જ છે.

Leave a Reply

Your email address will not be published.