દીકરાના લગ્ન લખીને અમદાવાદથી આવતા જ હતા ત્યાં ગાડીનું ટાયર ફાટતા જ દુલ્હાના પિતા સહીત 3 લોકોના મોત
પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખી અને પરત આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ ગઈ છે. બે દિવસ પછી જ પુત્રના લગ્ન રાખેલા હતા. જ્યારે આજે સાંજે સાત વાગ્યે લગ્ન વધાવવાના પણ હતા.
સાંતલપુરના અબિયાના ગામના ભીખાભાઇ નાઈના પુત્ર ભરતના ૨૪ તારીખના રોજ લગ્ન નક્કી થઈ ગયા હતા. જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપી દેવામાં પણ આવી હતી. ત્યારે આ પરિવાર રિતરિવાજ મુજબ વેવાઇને ત્યાં અમદાવાદ ખાતે લગ્ન લખવા માટે ગયો હતો. જ્યાંથી પરત ફરતાં ચાણસ્માના કબોઈ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટી જતા ગાડી પલટી મારી અને સાઇડમાં પડી ગઈ હતી. જેમાં ભીખાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને ૭ વર્ષની એક બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં અન્ય ૫ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. જ્યારે મૃતકોની લાશને પીએમ માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કોકિલાબેન અશોકભાઈ નાઈ, કલ્પેશભાઈ ભગવાનભાઈ નાઈ, નિખિલભાઈ લાલજીભાઈ, ભર્ગવ અશોકભાઈ, હેત નિખિલભાઈ આ તમામ સદસ્યો ઈજાગ્રસ્ત થયા હતા.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.