ગુજરાતના લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીનો જન્મ આ ગામમાં થયો હતો, તેના જીવનની આ વાતો તમે નહિ જનતા હોવ, જન્મથી લઈને…

ગુજરાતમાં વરસોથી લોક ગાયકોનો દબદબો રહ્યો છે. ઈશરદાન ગઢવીથી લઈને ભીખુદાન ગઢવી અને દેવાયત ખવડ સુધીના ગાયકોએ પોતાના પડછંદ અવાજથી ગુજરાતની લોકવાર્તાઓને વાચા આપી છે. આવા  જ લોક ગાયકોમાંનું એક મોટું નામ એટલે રાજભા ગઢવી. પોતાની કાઠિયાવાડી બોલીની મીઠાશ ઘોળતા કસુંબા તેમણે અનેક ડાયરાઓમાં ઘોળ્યા છે. આજે પણ જ્યારે રાજભા ડાયરામાં માઇક સંભાળે ત્યારે પૈસાનો વરસાદ થવા લાગે છે. મરેલાને પણ બેઠા કરી દે તેવી તેમની બોલવાની શૈલીના કારણે જ તેમને ગીરનો હાવજ પણ કહેવાય છે.

રાજભા ગઢવીનો જન્મ અમરેલીના કનકાઈ બાણેજ ગીરના લીલાપાણી નેસમાં થયો હતો. રાજભાનું બાળપણ ગીરમાં સિંહો અને ગાયો ભેંસો સાથે વીત્યું. રાજભા ગઢવી એક ચોપડી પણ નથી ભણ્યા તેમ છતાં પોતાના અવાજ અને વાર્તાઓ કહેવાની શૈલીને કારણે તેમને આજે આખું ગુજરાત અને ગુજરાત બહાર વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ ઓળખે છે. રાજભા ગઢવી એક સારા લોક ગાયક, કવિ અને ગીતકાર છે.

તેઓ નાનપણમાં રેડિયો સાંભળતા. રેડિયો પર હેમુ ગઢવી અને લોક કથાઓ તથા ભજનો સાંભળતા. ત્યારથી જ તેમને લોક સાહિત્યમાં રસ હતો. એક વખત એવું બન્યું કે રામપરા ગામમાં ડાયરો હતો અને મુખ્ય કલાકારો મોડા પડ્યા. ત્યારે સમય સાચવવા માટે રાજભાને માઇક સોંપવામાં આવ્યું. રાજભાએ પોતાના ખાસ અંદાજથી એવી રમઝટ બોલાવી કે ત્યાર બાદ આસપાસના ગામોમાં કોઈ ડાયરો હોય તો તેમને જ આમંત્રણ આપવામાં આવતું. આમ રાજભાનું નસીબ ચમક્યું અને એક પછી એક સફળતાના શિખરો તેઓ સર કરતા ગયા.

હાલ રાજભા જૂનાગઢમાં વસે છે. માતા પિતા સાથે રહેતા રાજભા પરિણીત છે. તેમને એક દીકરી અને એક દીકરો છે. લોક ગાયક ઉપરાંત રાજભા એક સારા ગીતકાર પણ છે. ‘સાયબો રે ગોવાળીયો…’, ‘હરિયાળી ગીર છે રૂડી….’ જેવા ગીતો તેમણે રચ્યા છે. રાજભાને મોઢે બોલાતા છપાકરા કે લોક વાર્તાઓ મોરલી માથે ડોલતા નાગની જેમ માણસોને ડોલાવે છે.

આટલી પ્રસિદ્ધિ છતાં રાજભા આજે પણ સાદું જીવન જીવવામાં માને છે. અવારનવાર તેઓ ગીરમાં ભેંસો ચારતા કે નેસમાં માલધારીઓ સાથે જમતા, વાતો કરતા જોવા મળે છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો અને વિડિયો શેર કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published.