રાજકોટમાં દીકરાએ દરવાજો ખખડાવતાં પિતાએ ગુસ્સે થઈને દીકરાને હથિયારથી મારીને મોતને ઘટ ઉતારીયો

રાજકોટ શહેરમાં રાત્રીના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચરી ગામમાં પિતા રાજુ ભોજવીયાએ પોતાના જ પુત્ર અજીત ભોજવીયાને છાતીમાં છરી મારી અને પતાવી દેતાં ચકચાર મચી જવા પામ્યો છે. મૃતક અજીત પોતાની વાડીએથી ઘરે પત્નીને બોલાવવા માટે આવ્‍યો હતો. તેની પત્ની દરવાજો બંધ કરી અને સુઇ ગઇ હતી જેથી અજીતે દરવાજો ખખડાવતાં તેના પિતા રાજુ ઓસરીમાં જ સુતેલા હતા. પિતા રાજુએ જાગી અને અજીતને ‘શું દેકારો કરી રહ્યો છે?

કહી અને ઝઘડો કર્યો હતો. દરમિયાન અજિતે ‘હું મારી પત્નીને કહી રહ્યો છું, તમે વચ્‍ચે ન બોલશો’ તેમ કહેતાં પિતા રાજુએ તેના જ પુત્રને છરી મારીને પતાવી દીધો હતો. વચ્‍ચે પડેલી પત્ની અને પુત્રવધૂને પણ ઇજા પહોંચાડી હતી. આરોપી હત્‍યા કરી અને ભાગી જતાં મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. મળેલ માહિતી પ્રમાણે, અમરગઢ ભીચરી રહેતા અજિત રાજુભાઇ ભોજવિયાને રાતે તેના પિતા રાજુ ધનાભાઇ ભોજવિયાએ છાતીમાં છરીનો ઘા મારી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થતાં જ હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને તરત જ જાણ કરી દીધી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી અને આગળની કાર્યવાહી કરી હતી. પોલીસે હત્‍યાનો ભોગ બનેલા અજિત ભોજવિયાની પત્ની ભારતી ભોજવિયાની ફરિયાદ પરથી તેના સસરા રાજુ ધનાભાઇ ભોજવિયા સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૧૩૫ અંતર્ગત ગુનો નોંધ્‍યો હતો.

મૃતકની પત્ની ભારતીએ એવું જણાવ્‍યું હતું કે મારા પતિ અને રાજકોટમાં રહેતા મારા જેઠ અરવિંદ સહિતના સાંજે ગામમાં માતાજીનો તાવો હોવાથી પ્રસાદ લેવા માટે ગયા હતાં. સાંજે પાંચેક વાગ્‍યે બંને ઘરે પરત ફર્યા હતા અને જેઠ રાજકોટ તેના ઘરે પાછા જતા રહ્યા હતાં. પતિ રાતે નવેક વાગ્‍યે અમારી વાડીએ પાણી વાળવા માટે ગયા હતા. બહુ કામ ન હોવાથી હું રૂમમાં દરવાજો અંદરથી બંધ કરી અને સૂઇ ગઇ હતી.

તેમણે વધુમાં એવું જણાવ્યું હતું કે આ દરમિયાન મારા પતિ અજિત રાતે પોણાઅગિયારેક વાગ્‍યા આજુ બાજુ પાણી વાળવામાં વાડીએ મારી મદદની જરૂર હોવાથી મને બોલાવવા માટે ઘરે આવ્‍યા હતા. આ દરમિયાન મારા સસરા રાજુ ભોજવિયા ઓસરીમાં સુતા હતાં. પતિએ રૂમનો દરવાજો બે-ત્રણ વખત ખખડાવતાં હું જાગી જ ગઇ હતી. ત્‍યાં સસરા રાજુ ભોજવિયા પણ ઓસરીમાં હોવાથી તેઓ પણ જાગી ગયેલા હતા. મારા પતિને ‘શું દેકારો કરી રહ્યો છે? શું કામ તારી ઘરવાળીની સાથે માથાકૂટ કરી રહ્યો છે?

એમ કહેતાં મારા ધણી અજિતે એ મારી ઘરવાળી છે, હું તેને કહું છું, તમને કઈ નથી કહેતો…એમ કહેતાં મારા સસરાએ ઘરમાંથી છરી ઉઠાવી અને હુમલો કરતાં હું અને મારાં સાસુ જીણીબેન વચ્‍ચે પડતાં અમને હાથમાં ઇજા પહોચાડી હતી. તેમણે વધુમાં એવું જણાવ્યું હતું કે એ પછી મારા પતિને છાતીમાં એક ઘા મારી દેતાં તે નીચે પડી ગયા હતા. અમે તેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ લઈ ગયા હતા, પણ તે બચી શક્‍યા નહોતા. સસરાએ દારૂ પીધો હોવાનું પણ ભારતીએ જણાવ્યું હતું. હત્‍યા બાદ આરોપી રાજુ ભોજવિયા ઘરેથી ભાગી ગયો હતો. બનાવની જાણ થતા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજુને તેની વાડીની નજીકની જ બીજી વાડીમાંથી મોડી રાતે પકડી લીધો હતો.

હત્‍યાનો ભોગ બનનાર અજિતના મોટા ભાઇ અરવિંદ ભોજવિયાએ એવું પણ જણાવ્‍યું હતું કે મારા બાપુજી રાજુભાઇને નશો કરવાની પણ ટેવ હતી. રાતે પણ તેઓ ફુલ પીધેલી હાલતમાં જ સુતા હતા. મારો ભાઇ અજિત દરવાજો ખખડાવતો અને તેની પત્ની ભારતીના નામની બૂમો પાડતો હતો ત્‍યારે બાપુજી રાજુભાઇ ગુસ્‍સે થઈ ગયા હતા અને દેકારો શું કરી રહ્યો છે? કહી અજીત પર હુમલો કરી દીધો હતો. હત્‍યાનો ભોગ બનનાર અજિત બે ભાઇ, બે બહેનમાં ત્રીજા નંબરનો હતો. તે ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અજીતને સંતાનમાં બે પુત્રી કિંજલ અને રિતુ તથા બે પુત્ર જયદીપ અને વિવેક છે. પિતાની પોતાના જ દાદાના હાથે હત્‍યા થતાં આ ચારેય ભાંડરડાં સાવ નોધારા થઇ ગયાં છે.

Leave a Reply

Your email address will not be published.