આ અકસ્માત એટલો ભયંકર હતો કે એક કર્મચારી નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજા એક કર્મચારી ને જામનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જામનગરના રાવલ નગરપાલિકા ના ચાર કર્મચારીઓ પોતાના કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. જ્યાં તેમને રસ્તામાં ખૂબ જ ભયંકર અકસ્માત નડયો હતો. જેમાં એક કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજા એક કર્મચારીને ઇજા પહોંચતા જામનગર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બન્યો હતો.
ગાંધીનગર જતા કર્મચારીઓનો અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. તમામ કર્મચારીઓ બલેનો કારમાં હતા. જેમાં બે કર્મચારીઓના મોત થયા છે. તમામ કર્મચારીઓ વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હતા. આ દરમિયાન બલેનો કાર અર્ટિગા કાર સાથે અથડાઈ હતી. બલેનો કારની પાછળની સીટ પર બેઠેલા બંને કર્મચારીઓના મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા નીતિનભાઈ કાગડિયા અને સેનેટરી ઈન્સ્પેક્ટર મનોજ સિંગરખીયાનું મોત નીપજ્યું હતું.
રાવળ નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ રામસિંગભાઈ જાદવે જણાવ્યું હતું કે, રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ ઓફિસના કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. સવારના ત્રણથી ચાર વાગ્યા સુધીમાં બધા વહેલા નીકળી ગયા હતા. જામનગર હાઈવે પર તેમની કારનો અકસ્માત થયો હતો. વેરા વિભાગમાં ફરજ બજાવતા નીતિનભાઈ ધીરૂભાઈ કાગડીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
નગરપાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ ત્રણેય કર્મચારીઓને ગંભીર હાલતમાં જામનગર સિવિલમાં રીફર કરાયા હતા. જેમાં કનુભાઈ કાગડિયા, કેશુભાઈ બારૈયા અને મનોજભાઈ સિંગરાળીયાનો સમાવેશ થાય છે. જે પૈકી મનોજભાઈ સિંગરાળીયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બંને કારને ભારે નુકસાન થયું હતું. બલેનો કારનું બોનેટ ઉડી ગયું હતું.