બાળકીએ રમતા રમતા સાડા ત્રણ વર્ષ પહેલા મીણીયાના ટૂકડા નાકમાં નાખી દીધા હતા, બાદમાં તેને સતત શરદી રહેતી હતી ત્યારે ખબર પડી કે…

આંગણામાં કે ઘરમાં એવી કોઈ પણ વસ્તુ ન રાખવી કે જે તમારા બાળકો માટે જોખમ તરીકે સાબિત થઈ જાય. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે. રાજકોટમાં ૯ વર્ષની એક બાળકી સાડા ત્રણ વર્ષ પહેલા રમતા રમતા પોતાના નાકમાં મીણીયા કલરના બે ટૂકડા નાખી દીધા હતા. બાદમાં તેને સતત શરદી થઇ જતી હતી. સાથે સાથે તેના નાકમાંથી રસી, લોહી અને ખરાબ દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળતું રહેતું હતું.

આથી તેના માતા-પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. બાળકીની સારવાર માટે ઘણા દવાખાનામાં આંટા માર્યા પણ કોઈ સચોટ ઇલાજ થયો જ નહીં. આખરે વિદ્યાનગર મેઇન રોડ પર ડો.હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં જતા તબીબે દૂરબીનથી તપાસ કરતા નાકમાં કોઇ વસ્તુ ફસાઇ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં દૂરબીનથી ઓપરેશન કરી અને માત્ર ગણતરીની કલાકોમાં જ બાળકીના નાકમાંથી મીણીયાના બંને ટૂકડાને બહાર કાઢી લીધા હતા.

બાળકીનું ઓપરેશન કરનાર તબીબ ડો.હિમાંશુ ઠક્કરે એવું જણાવ્યું હતું કે, બાળકીના નાકમાંથી બહાર કાઢેલી વસ્તુ એ ક્રેયોન એટલે કે રંગીન ચાકની સળીના બે ટુકડાઓ હતા. આ ક્રેયોનના બે ટૂકડા સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાઈ ગયા હતા અને તેના લીધે જ વારંવાર આરીફાને ઇન્ફેક્શન થઈ જતું હતું અને કોઈ દવાની અસર પણ થતી નહોતી. આ કેસની વિકટ પરિસ્થિતિ તો એ હતી કે બાળકીની નાની ઉંમર હોવાથી નાકનું કાણું પણ ખૂબ જ નાનું અને સાંકડું હતું.

તેમજ ક્રેયોનના ટુકડા સાડા ત્રણ વર્ષથી નાકની અંદર ફસાયેલા હતા તે નાકની અંદરની ચામડી સાથે ચોંટી ગયેલા હતા. ડો. હિમાંશુએ આગળ વાત કરતા એવું જણાવ્યું હતું કે, આવી વિકટ પરિસ્થિતિમાં તબીબ દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક દૂરબીનથી આ ક્રેયોનના ટૂકડાને માત્ર ગણતરીની મિનીટોમાં જ કોઈપણ જાતની તકલીફ કે ઈજા વગર દૂરબીન વડે બહાર કાઢી આપી બાળકીને આ યાતનામાંથી મુક્ત કરી દીધી હતી.

આરિફાની માતા શબાનાબેને એવું જણાવ્યું હતું કે, આરિફા સાડા ત્રણ વર્ષથી ખૂબ જ હેરાન-પરેશાન થતી રહેતી હતી. કેમ કે, તેના જમણી બાજુના નાકમાંથી રસી, લોહી અને દુર્ગંધ વાળું પ્રવાહી નીકળતું રહેતું હતું. અમે અનેક જગ્યાએ દવાઓ કરાવી, એક્સ-રે પણ કરાવ્યા હતા પરંતુ તેનાથી કોઇ જ ફરક ન પડતા અંતે આરિફાને વિદ્યાનગર મેઇન રોડ પરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા.

અહીં ડો.હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીન વડે આરીફની તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, તેની જમણી બાજુના નાકમાં કંઇક ઊંડે સુધી ફસાયેલું લાગે છે. ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેની સારવાર શરૂ થઇ ગઈ હતી અને બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇ જઈને દૂરબીન વડે નાકમાં ફસાયેલ વસ્તુ ગણતરીની મિનીટોમાં જ કાઢી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *