બાળકને ઓરીની રસી આપ્યા બાદ થયું મોત, પરિવારજનોનો આક્ષેપ શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે લઈ જતા રસ્તામાં જ…

સંખેડાના રતનપુર ગામે બુધવારના રોજ બપોરે ૯ માસના એક બાળકને ઓરીની રસી મૂકાવ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ મુક્યો હતો. બાળકને સંખેડા રેફરલમાં લાવવામાં આવ્યું હતું. બાદ અહિયાથી તેને પોસ્ટમોર્ટમ માટે વડોદરા ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવા પર કાર્યવાહી હાથ ધરી લીધી છે.

બાળકને દવાખાને લઈ જતી વખતે મોત નીપજ્યું :સંખેડાના રતનપુર ગામે રહેતા ગાયત્રીબેન શૈલેષભાઇ વસાવાના ૯ મહિનાના બાળકને બુધવારના રોજ બપોરે ગામના આશાવર્કર બહેનના ઘેર રસી મૂકવા માટે આરોગ્ય વિભાગની નર્સ આવી હતી. ઓરીની રસી મૂકાવ્યા પછી બાળકને ઘરે લાવવામાં આવ્યો હતો. ઘરે બાળક જમતો અને રમતો પણ હતો. અચાનક બપોરના ૪:૩૦ વાગ્યે એને શ્વાસની તકલીફ થઈ જતા હાંડોદ દવાખાને લઈ જતા હતા પરંતુ રસ્તામાં જ બાળકનું મોત નીપજ્યું હતું.

સ્થાનિક સરપંચ મોતીભાઈને જાણ થતાં જ તેમણે તાત્કાલિક સંખેડા રેફરલમાં તેના મૃતદેહને લાવવાની કાર્યવાહી શરુ કરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી :આ બાદ પોલીસને જાણ કરતાં તેણે અકસ્માતે મોતનો ગુનો નોંધવા માટે કાર્યવાહી કરી હતી. જોકે, બાળકના મૃતદેહ સાથે આવેલા પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે રસી મૂકાયા બાદ જ તેનું મૃત્યુ થયું છે.

કુલ ૩ બાળકને ઓરીની રસી મુકવામાં આવી, જેમાં ૨ની તબિયત સારી છે :બાળકનું એસએસજી હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેમજ વિશેરા પણ લેવામાં આવશે. આ ગામમાં કુલ ત્રણ બાળકોને ઓરીની રસી મુકવામાં આવી હતી. જેમાં બીજા બે બાળકો પણ શામેલ હતા. તેમની તબિયત એકદમ સારી છે. જ્યારે આ બાળકને પહેલો પણ ડોઝ આપવામાં આવ્યો હતો.

રતનપુર ગામે આશાવર્કર બેનના ઘરે ગુંડિચા પીએચસીના નર્સે આ રસી મૂકી હતી. રસી મુકાવીને ઘરે આવ્યા બાદ બપોરના ૪.૩૦ વાગે એકદમ જ આવું થઈ ગયું :રસી મુકાવીને ઘરે આવ્યા પછી તેને ખવડાવ્યું હતું. અને સુવડાવી દીધો હતો. તે રમતો પણ હતો, પરંતુ પછી એકદમ જ બપોરે ૪:૩૦ વાગ્યે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આશાવર્કર બહેન સોનલબેનના ઘરે તેને ઓરીની રસી મુકવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.