સરદાર સરોવર ડેમની સપાટીમાં ફરી એક વખત થયો વધારો, ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે નર્મદામાં છોડવામાં આવ્યું પાણી, ભયજનક સપાટી વટાવે તેવી ભિતી… Gujarat Trend Team, August 23, 2022 મધ્યપ્રદેશમાં હવે ઘોડાપૂર આવતા તમામ નદીઓ અને જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં આજે સવારે 10 કલાકથી પાણીની આવકમાં વિપુલ વધારો થયો છે. જેથી 10 વાગ્યાથી 5 લાખ 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચમાં બીજી વખત નદી ભયજનક સપાટી વટાવે તેવી ભીતિ સેવાઇ રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમના 23 દરવાજા હવે 3.05 મીટરથી ખોલી નદીમાં 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરી દેવાયું છે. ભરૂચમાં 98 કિલોમીટર જેટલી સફર ખેડી આ પ્રવાહ આગામી 6 કલાકમાં આવવાની શરૂઆત થઇ જતાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની જળ સપાટી બપોર સુધીમાં વોર્નિંગ લેવલ 22 ફૂટ આસપાસ પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે. એક સપ્તાહમાં બીજી વખત ભરૂચ ખાતે નદી તેની ભયજનક સપાટી 24 ફૂટે ફરી પહોંચે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી 21 ફૂટ છે. ગોલ્ડનબ્રિજ ખાતે ભરતી અને ડેમમાંથી છોડાતા પાણીને લઈ વીતેલા 18 કલાકમાં જળ સ્તર સાડા પાંચ ફૂટ જેટલા વધ્યા છે. ડેમમાંથી છોડાતા પાણીના વિપુલ જથ્થાને લઈ વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને પેહલી થી જ એલર્ટ કરી દઇ તંત્ર પણ સ્થિતિ ઉપર નજર રાખવા ફરી એક્શનમાં આવી ગયું છે. નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ છે. નર્મદા નદીમાં કુલ 5 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં હવે આવી રહ્યું છે. જોકે છેલ્લા 24 કલાકથી SSNNL 135 94 મીટર ડેમની સપાટીને જાળવી રાખી છે. સમાચાર