સોનાની તસ્કરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી 1300 કરોડના હવાલા દુબઈમાં પડાવ્યા, ચાર આરોપીઓની ધરપકડ
અમદાવાદ: સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનાની તસ્કરી ઘરના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ છ વર્ષમાં સમયાંતરે 4910 કિલો સોનુ શહેરમાં ઘુસાડ્યું હતું. જેને અંદાજિત કિંમત 13,10,36,90,826 રૂપિયા થાય છે. મળતી માહિતી અનુસાર કસ્ટમ વિભાગે બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને 25 કિલો સોના સાથે ઝડપી પાડયો હતો તે આ સોનું એરપોર્ટ પરથી બહાર લઈ જઈ રહ્યો હતો.
આ ઘટના બાદ કસ્ટમ વિભાગે જીગ્નેશના ઘરે રેડ પાડી હતી જ્યાં નીતા પરમાર એવા નામ હેઠળ હિસાબના દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારબાદ કસ્ટમ વિભાગે નીતા પરમારની શોધખોળ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ નીતા પરમાર ઋતુગા ત્રિવેદીના ઘરે કામ કરતી હતી.
આ માહિતી જ્યારે કસ્ટમ વિભાગને મળી ત્યારે તેમણે નીતા પરમારના ઘરે દરોડા પાડયા હતા. જ્યાં મોબાઇલ, લેપટોપ, પેન ડ્રાઈવ, કમ્પ્યુટર જેવા સાધનો મળી આવ્યા હતા તે કસ્ટમ વિભાગે પોતાના કબજામાં લીધા હતા. આ દસ્તાવેજોની તપાસ કરતાં માહિતી મળી હતી કે 2013 થી લઈને 2019 સુધીમાં સમયાંતરે 4910 કિલો સોનાની તસ્કરી થઈ હતી.
આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે ઋતુગા અરવિંદકુમાર ત્રિવેદીએ. તેની સાથે બીજા ચાર ફાઇનાન્સરો પણ હતા. જેમાં જીતેન્દ્ર રોકડ, મેહુલ ભીમાણી, વિપુલ જોષી અને અને રાજુ ગોસ્વામીના નામ સામેલ છે. આ ચારે ફાઇનાન્સરો ઋતુગા ત્રિવેદીને આર્થિક સહાય પૂરી પાડતા હતા. ઋતુગા ત્રિવેદીને એરપોર્ટ પરથી સોનુ બહાર કાઢવામાં મદદ કરનાર જીગ્નેશ સાવલિયા ને 1 કિલો સોનુ બહાર કાઢવાના બદલામાં દસ હજાર રૂપિયા રોકડા મળતા હતા.
ઇમેઇલની તપાસ કરતા મેહુલ ભીમાણી, જીતેન્દ્ર રોકડ, વિપુલ જોષી અને રાજુ ગોસ્વામીને કેટલું કેટલું સોનું મળ્યું હતું તેની વિગતો પણ બહાર આવી હતી. આ બધી વિગતો નીતા પરમારે ઈ-મેલમાં સાચવી રાખી હતી. જેમાં નામ બદલીને તેણે આ બધા હિસાબો રાખ્યા હતા. જીતેન્દ્ર રોકડ આ તસ્કરીનું સોનુ છેક દુબઈથી મંગાવતો હતો એવા પુરાવા પણ મળી આવ્યા છે. ચારે ફાઈનાન્સરોએ આ તસ્કરીથી લાવેલું સોનુ કોને અને ક્યારે વેચ્યું હતું એ બાબતે કોઈ માહિતી મળી નહોતી. જો કે કસ્ટમ વિભાગ આ બાબતની તપાસ કરી રહી છે.