ધોરણ 12 નો વિદ્યાર્થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો, બાળક પરીક્ષાનું પરિણામ જોવા ગયો હતો અને એટલામાં જ…

સુરત શહેરમાં ધો. ૧૨ સાયન્સનું પરિણામ સાયબર કેફેમાં જોવા ગયેલા કતારગામના કારખાનેદારનો પુત્ર રહસ્યમય સંજોગોમાં જ ગુમ થઈ ગયો છે. જેમાં વિદ્યાર્થી શિવમ ઝાની એક્ટિવા કતારગામ ગજેરા સર્કલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવતા ખુબ જ ચકચાર મચી જવા પામી છે.

મૂળ બિહારના મધુબની જિલ્લાના દામોદરપુર ગામના વતની અને હાલમાં કતારગામ, ગજેરા સર્કલ પાસેની સ્મૃતિ સોસાયટીના યોગી વંદના એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૨૦૩ ખાતે રહેતા એમ્બ્રોઈડરના કારખાનેદાર પવન કુમાર બચ્ચન ઝાનો ૧૭ વર્ષીય પુત્ર શિવમ અશ્વિનીકુમાર રોડની સરસ્વતી વિદ્યાલયમાં ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. મંગળવારના રોજ ૧૨ સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ સમયે શિવમે તેની માતા સીમાબેનને સર્વર ડાઉન હોવાના કારણે હું મારું રિઝલ્ટ સાયબર કેફેમાં જોવા માટે જી રહ્યો છું, તેમ કહીને એક્ટિવા લઈને ઘરેથી ગયા બાદ મોડે સુધી ઘરે પરત નહીં આવતા તેના પરિવારજનોએ કતારગામ વિસ્તારમાં શોધખોળ કરતા કતારગામ, ગજેરા સર્કલ પાસેની એક ફરસાણની દુકાન પાસેથી ચાવી સાથે એક્ટિવા બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.

જોકે, શિવમના પરિવારજનોએ સગાં-સંબંધીઓ તેમજ અન્ય સ્થળોએ તપાસ કરતા તેનો કોઈ પત્તો મળ્યો ન હતો અને તેનો મોબાઈલફોન પણ સ્વીચઓફ જોવા મળ્યો હતો. ધો. ૧૨ સાયન્સના પરિણામ સાયબર કેફેમાં જોવા ગયા પછી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેળ વિદ્યાર્થી શિવમના પિતા પવનકુમાર ઝાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી લીધી છે

Leave a Reply

Your email address will not be published.