સુરતના ઉમરપાડામાં માત્ર 2 જ કલાકમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં પડ્યો કેટલો વરસાદ

રવિવારે દક્ષિણ ગુજરાતમાં બિલકુલ વરસાદ ન થયા બાદ સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં બપોરે 2 વાગ્યા બાદ અચાનક જ વરસાદ શરૂ થયો હતો. અને તેમાં સુરતના ઉમરપાડામાં સાંજે 4 થી 6 દરમિયાન બે કલાકમાં અઢી ઈંચ અને તાપીના સોનગઢમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ એકલા વલસાડ જિલ્લામાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. જ્યારે સુરત જિલ્લાના નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે. 30 જૂન બાદ સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શહેરીજનો ખૂબ જ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે અને તેઓ આ બફારાના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા છે જ્યારે સાંજના સમયે વરસાદના વાદળ આવ્યા હતા ત્યારે તેઓને ઠંડકનો અનુભવ થયો હતો. પરંતુ વરસાદનું આગમન થયું ન હતું.

વરસાદ આવે અને થઈ રહેલા બફારાથી રાહત મળે તેની માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ સુરત જિલ્લામાં સારા વરસાદ માટે લોકોએ 30મી જૂન સુધી રાહ જોવી પડી શકે છે, કારણ કે 30મી પછી બે-ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

તાપી જિલ્લામાં બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન અચાનક ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 2 ઈંચ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વલસાડમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અને તે દરમિયાન ધરમપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નવસારીમાં પણ મોડી સાંજે વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *