રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા ૭૫ દિવસથી ચાલી રહેલા યુધ્ધના લીધે આયાત-નિકાસને માઠી અસર પડી છે. આવી પરિસ્થિતીમાં રશિયા અને યૂક્રેનથી આયાત કરાતા સનફ્લાવર ખાદ્યતેલની આયાત ઘટતા પ્રત્યેક ડબ્બાનો ભાવ રૂ.૨૬૦૦ થી વધીને ૨૯૫૦ જેટલો થયો છે. આ પ્રમાણે સિંગતેલ, પામોલિન, કપાસિયા, મકાઇ, સરસવના તેલના ડબ્બાનો ભાવ પણ રૂ.૨૦૦ થી ૩૦૦ સુધી વધ્યો છે.
ખાસ કરીને સનફ્લાવર(સૂર્યમુખી)ખાદ્યતેલ રશિયા અને યૂક્રેનથી આયાત કરવામાં આવે છે. જેની શોર્ટેજ સર્જાતા હાલમાં ૧૫ કિલોના ૧ તેલના ડબ્બાનો ભાવ રૂ.૨૬૦૦ થી વધી અને રૂ.૨૯૫૦ જેટલો થયો છે. આ પ્રમાણે સિંગતેલ રૂ.૨૫૦૦ થી ૨૮૫૦, પામોલિન રૂ.૨૩૬૦ થી ૨૫૮૦, કપાસિયા રૂ.૨૬૦૦ થી ૨૭૫૦, મકાઇ રૂ.૨૪૮૦ થી ૨૬૮૦ જેટલો થયો છે. લિટરના માપ કરતા કિલોમાં ૧.૫ કિલો તેલ વધારે આવે છે તેવું ગ્રાહકોએ જણાવ્યું હતું.
શહેરના હાથીખાના હોલસેલ માર્કેટમાંથી રોજ સરેરાશ ૭૦૦૦ થી ૯૦૦૦ ખાદ્યતેલના ડબ્બાનું વેચાણ થઇ રહ્યું છે. ખાદ્યતેલના ભાવ આસમાનને આંબતા ગ્રાહકોએ ખરીદી ઘટાડી દીધી છે. જે ગ્રાહકો ખાદ્યતેલનો મોટો ડબ્બો ખરીદતા હતા. તેઓ હવે માત્ર પાંચ લિટરના ટીન જ ખરીદે છે. જેઓ ટીન ખરીદતા હતા એવા ગ્રાહકો પાઉચ ખરીદતા થઈ ગયા છે.
ઓનલાઇન બિઝનેસના લીધે નાના વેપારીઓનો ખો નીકળી ગયો છે ઓનલાઇન બિઝનેસને પગલે ઘરબેઠા સુવિધા ઉપલબ્ધ હોઇ ગ્રાહકો બજારમાં આવવાનું ટાળતા હોય છે. આવી પરિસ્થિતીમાં નાના વેપારીઓની ઘરાકી ઘટી જતા તેમનો ખો નિકળી ગયો છે. જ્યારે, બીજીબાજુ મોટા બિઝનેસ હાઉસ એકલ-દોકલ સિઝનલ કોમોડીટીમાં ખોટ ખાઇ અને બીજા ધંધામાંથી વધુ કમાણી કરી લેતા હોય છે. આવી રમતમાં નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું.