હેલ્થ

લસણ ખાવાથી થાય છે આટલા ફાયદા, ઔષધ તરીકે અપનાવવામાં આવે છે

આપણા રસોડામાં લસણને મસાલા રૂપી ગોઠવી આપનાર આપણા મહાન મહર્ષિઓને મનોમન પ્રણામ કરી ધન્યવાદ કહેવું જોઈએ. આજે અમે તમને સૌને લસણનો એક મસાલા રૂપી નહીં, પણ એક ઔષધ રૂપી આયુર્વેદીય મતે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે દ્વારા આપ જાણી શકશો કે લસણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એક ઉત્તમ ઔષધની ક્ષમતા રહેલી છે. લસણને માત્ર ભારતમાં જ ત્યાજ્ય ગણવામાં આવ્યું છે, એવું જ નથી. યુનાન એટલે કે ગ્રીસમાં લસણ ખાનારને ભ્રષ્ટ માનવામાં આવતા હતા. ઈરાનમાં લસણ અને ડુંગળી બંનેને નકામા પદાર્થો ગણવામાં આવ્યા છે. ચીનમાં રોગીઓ અને બ્રાહ્મણો માટે લસણ ત્યાજ્ય ગણાવાયું છે.

લસણને ત્યાજ્ય શા માટે ગણાવાયું? અમૃતકુંભ લઈને ભાગતા રાહુની પાછળ ભગવાન વિષ્ણુએ તેમનું સુદર્શનચક્ર ફેંક્યું હતું. રાહુ હજુ અમૃત પીવે એ પહેલાં જ તેનું ગળું કપાઈ ગયું હતું. રાહુના હોઠેથી જે અમૃતનાં ટીપાં પૃથ્વી પર પડયાં હતા એમાંથી લસણની ઉત્પત્તિ થઈ હતી, પછી ભલે તે અમૃત હોય, તો પણ તે ત્યાજ્ય ગણાવાયું હતું.

આવાં ઘણાં વર્ણન આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યા છે. આમ છતાં ભલે માન્યતા ગમે તે હોય પરંતુ એક ઔષધ રૂપે તેમાં અનેક ગુણ રહેલા હોવાથી આયુર્વેદે તેને રસાયન દ્રવ્યોમાં ગણાવ્યું છે. ધર્મગુરુઓ તેને ત્યાજ્ય ગણતા આવ્યા છે કારણ કે લસણના સેવનથી શુક્રોત્પત્તિમાં ખૂબ વધારો થાય છે, અને તે ઉષ્ણ, તીક્ષ્ણ અને રસાયન હોવાથી બ્રહ્મચર્ય પાળવામાં બાધક કહેવાય છે.

આયુર્વેદાચાર્યોની વૈજ્ઞાનિકતા: આયુર્વેદ એ આયુષ્યનો વેદ અને વિજ્ઞાન છે, અને વૈજ્ઞાનિકો હંમેશાં નિર્ભય રીતે વર્તતા હોય છે. તેઓ હંમેશા શંકા કે કુશંકા, વહેમો વગેરેથી દૂર રહેતા હોય છે અને પદાર્થની સાચી રજૂઆત કરી બતાવતાં હોય છે. આયુર્વેદના ચરક, સુશ્રુત વગેરે વૈજ્ઞાનિકોએ લસણના ગુણધર્મોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરેલું છે અને તેઓએ પોતાના ગ્રંથોમાં લસણના અનુરૂપ ગુણધર્મોને સુંદર અને સરળ શ્લોકોમાં વર્ણવ્યા છે.

લસણનો એક યોગ: પાંચ કિલોગ્રામ ફોતરાં વગરની લસણની કળીઓ, પાંચસો ગ્રામ તલ, હીંગ, સૂંઠ, મરી, પીપર, જવખાર, સાજીખાર, પાંચે પ્રકારનાં લવણ, ગંઠોડાં, કઠ, શતપુષ્પાનાં બીજ, ચિત્રક, અજમો અને ધાણા આ દરેક ચીજો ૨૫-૨૫ ગ્રામ લેવી અને તેને બારીક રીતે ખાંડી નાખવી. એક માટલું લો તેમાં આ દરેક વસ્તુઓ નાખી દો, અને તેમાં બે કિલો કાંજી અને બે કિલો તલનું તેલ નાખી તેની અંદર હવા ન પ્રવેશે તેમ બંધ કરી દો.

આ માટલું ૨૦ દિવસ રહેવા દેવાથી લસણનો યોગ તૈયાર થઈ જશે. આ લસણનો યોગ તૈયાર થઈ ગયા બાદ તેના સેવનની માત્રા અડધાથી એક ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવાનું રાખો. આમદોષ, આમવાત, સર્વાંગવાત, એકાંગવાત, ખંજવાળ, વાઈ-એપિલેપ્સિ, ગાંડપણ, ઉધરસ, દમ, પેટના રોગો અને આંતરડામાં રહેલા કૃમિ આ યોગના સેવનથી મટી જાય છે.

ચામડીના રોગો: ચામડીના રોગોમાં આક્રાંત સ્થાન પર લસણના રસમાં ખેરનું ચૂર્ણ એટલે કે કાથો ભેળવીને લગાવવાથી શ્વેત કોઢ મટે છે અને ખેરના ક્વાથ સાથે લસણ ખવરાવવામાં પણ આવે છે. મોરથુથૂ અને લસણનો લેપ કરવાથી સૂકું ખરજવું મટી જાય છે. આમ, આવા ચામડીના રોગ માટી જતા હોવાથી એવું સાબિત થાય છે કે લસણ એક ઉત્તમ એન્ટિસેપ્ટિક છે. જૂના ઘાવ કે વ્રણો મટાડવા માટે લસણથી મોટું કોઈ જ ઔષધિ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *