ટ્રાવેલ્સમાં કામ કરતો યુવક જ આંગડિયા પેઢીની કરોડો રૂપિયાની લૂંટનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો
મોરબીના દલવાડી સર્કલ પાસે આંગડિયાના કુલ પાંચ પાર્સલ એક ટ્રાવેલ્સ બસમાં આવ્યા હતા, તેમાંના ૧.૧૯ કરોડ રૂપિયાની રોકડની કારમાં આવેલા શખ્સો લૂંટ કરી અને નાસી છુટ્યા હતા. જેની મોરબીમાં ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના આધારે એલસીબીની ટીમ સહિતની બધી ટીમોએ આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસને લૂંટારાઓ દ્વારા વાંકાનેર તાલુકાની હદમાં રહીને રૂપિયાનો ભાગ કરવામાં આવનાર છે તેવી બાતમી પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે રેડ પણ પડી હતી અને લૂંટમાં ગયેલ રકમમાંથી ૭૯ લાખ રૂપિયા રોકડ અને કાર સહિત કુલ મળીને ૮૬.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરી અને ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. તો અન્ય મુખ્ય સૂત્રધાર સહિત બીજા ત્રણ આરોપીને પકડવા માટે હાલ તજવીજ ચાલી રહી છે
મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીની રાજકોટની શાખામાંથી મોરબી ૧.૨૦ કરોડ રૂપિયા ભરેલું પાર્સલ તારીખ ૩૧મી માર્ચના રોજ સવારે મોરબી મોકલવામાં આવ્યું હતું અને આ પાર્સલ રાજકોટથી ભૂજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સની એક બસમાં રાજકોટથી રવાના કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે સવા સાત વાગતાની આજુ બાજુ મોરબીના દલવાડી સર્કલ પાસે સોમનાથ ટ્રાવેલ્સમાંથી રોકડ ભરેલું પાર્સલ લઈ અને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ ગુપ્તી અને ગિલોલથી તેના ઉપર હુમલો કરી દીધો હતો અને રોકડા રૂપિયા લૂંટી અને નાસી છૂટ્યા હતા. જેની મનીષભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તેના આધારે બધી તપાસ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં એલસીબીના રજનીભાઇ કૈલા અને સંજયભાઇ પટેલને કઈક બાતમી મળી હતી, જેના આધારે પોલીસે હાલમાં મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ, સવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા તેમજ સુરેશ મથુરભાઇ ગરંભડિયાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ત્રણ આરોપીને પકડવા માટે હજુ તજવીજ ચાલી રહી છે.
મોરબીમાં આવેલ વીપી આંગડીયા પેઢીમાં રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં ઘણી વાર રોકડા રૂપિયા મોકલાવવામાં આવતા હોય છે. ત્યારે આંગડીયા પેઢીનું ૧.૨૦ કરોડ રૂપિયા ભરેલુ પાર્સલ તા ૩૧ માર્ચના રોજ રાજકોટથી રવાના કરવામાં આવ્યું છે તેની ટીપ હાલમાં પકડાયેલા આરોપી મહંમદઅલીના ભાઈ અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણે દ્વારા આપવામાં આવી હતી.
પોલીસના કહ્યા મુજબ અબ્દુલકાદર છેલ્લાં ૧૬-૧૭ વર્ષથી સોમનાથ ટ્રાવેલ્સમાં નોકરી કરી રહ્યા છે અને તેની ટીપના આધારે તેના ભાઈ પરવેઝને જાણ કરી હતી. જેની રાજકોટના મોચી બજાર પાસે નોનવેજની લારી પણ આવેલી છે. તેની બાજુમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતાં પંકજ કેશા ગરંભડિયાએ આખી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પંકજ હાલમાં પકડાયેલા બે આરોપી સહિત કુલ ચાર આરોપીને લૂંટને અંજામ આપવા માટે સાથે જ લઈને આવ્યો હતો.
લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીને પકડવા માટે ધીમે ધીમે પોલીસની ભીંસ વધી રહી હતી, જેથી કરીને લૂંટ કરેલ રૂપિયા આરોપીઓએ કોઈ પણ જગ્યાએ મૂક્યા ન હતા અને ગાડીમાં જ સાથે લઈને રખડતા હતા. તેવામાં વાંકાનેર પાસે રૂપિયાના ભાગ પડવાના હતા ત્યાં જઈને પોલીસે રેડ કરીને ૭૯,૭૪,૦૦૦ ની રોકડ, ૭ લાખની હ્યુન્ડાઈ વેન્યુ કાર એમ કુલ મળીને ૮૬,૭૭,૦૦૦ લાખનો મુદ્દામાલ પકડ્યો છે.
મોરબી જિલ્લાના એએસપી અતુલ બંસલના માર્ગદર્શન મુજબ એલસીબી, મોરબી એ ડીવીઝન સહિતની ટીમોએ કામ કરી અને હાલમાં લૂંટના આ ગુનામાં ત્રણ આરોપીને પકડી લીધા છે. જેમાં સવાસીની ગાડી લઈ અને લૂંટારુઓ લૂંટ કરવા માટે આવ્યા હતા અને મુખ્ય સૂત્રધાર પંકજ, સવાસી અને સુરેશ અગાઉ બે વખત પણ લૂંટનો પ્રયાસ કરી ચૂક્યા છે. જો કે, ત્યારે તો તે નિષ્ફળ રહ્યા હતા. આ ગુનામાં ટીપ આપનાર અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ, ઈમરાન અલ્લરખા ચૌહાણ અને પંકજ કેશા ગરંભડિયાને પકડવાના બાકી છે અને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.