ભર ઉનાળે વરસાદી માહોલ આ જગ્યાએ વીજળીના ચમકારા જોવા મળ્યા, ખેડૂતો માટે ચિંતાના સમાચાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાવા લાગ્યા છે. જેને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં વરસાદની આગાહી આપી દીધી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા છે. આજે વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાના કલોલ સહિત ગોધરા, ઘોઘંબા, હાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.

આ સાથે ભાવનગર શહેરમાં અચાનક જ આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ત્યારે ગત મોડી રાતથી વેરાવળમાં વીજળીના ચમકારા થતા લોકોની ઉંઘ ઉડી ગઈ છે. ભાવનગર શહેરમાં વહેલી સવારે જ અચાનક ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે ત્રણ દિવસ માટેની કમોસમી વરસાદની આગાહી કરી નાખી છે. હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો.

વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે, બાજરી, તલ તથા પાછોતરા વાવેતર કરેલા ઘઉંને મોટું નુકશાન થઈ શકે તેમ છે. બાગાયતી પાકોમાં કેરી અને લીંબુના પાકને વ્યાપક અસર થવાની સંભાવના જોવા મળી રહી છે.

ગીર સોમનાથમાં ઉનાળાની ઋતુમાં ચોમાસાનો માહોલ સર્જાઈ ગયો છે. વેરાવળ શહેરમાં મધ્ય રાત્રિએ ચોમાસા અને તોફાન જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પડેલા ધીમી ધારના કમોસમી છાંટાને લોકોએ ગણકાર્યા ન હતા. પરંતુ મધ્ય રાત્રિએ ૧ વાગ્યા આજુબાજુ આકાશમાં પ્રચંડ ગાજવીજ અને વીજળીના ચમકારાઓએ અનેક લોકોની ઉંઘને ઉડાવી દીધી હતી.

ત્યારે કેરીના ગઢ ગણાતા ગીરમાં આવતા કમોસમી ફેરફારો કૃષિ અને વિશેષ રૂપે કેસર કેરીના ઉત્પાદનને નુકસાન પહોંચાડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં ભર ઉનાળે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું અને વીજળીના કડાકાઓ સાથે કમોસમી છાંટાની શરૂઆત થઈ ગઈ હતી.

માવઠારૂપી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની શકે તેવું થઇ ગયું છે. કાલોલ સહિત ગોધરા, ઘોઘંબા, હાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી ગયો છે. માવઠું થાય તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહેલી છે. દિવેલાના તૈયાર પાકને બચાવવા માટે ખેડૂતો વિસામણમાં મુકાયા છે. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટા આવી ગયા. વલસાડમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કેરી તેમજ ડાંગરના પાકને નુકશાન થશે તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરેલી હતી. જે બાદ દક્ષીણ ગુજરાતના વલસાડ જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં વાતાવરણ બદલાઈ ગયું છે. સાબરકાંઠામાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. હિંમતનગર સહિત જીલ્લામાં રાત્રે કમોસમી વરસાદના છાંટા શરૂ થઈ ગયા હતા. પોશીના પાસેના ગામોમાં છાંટા, મોડી રાત્રે પવન ફૂંકાયો સાથે વરસાદના છાંટા પણ પડ્યા હતા. અચાનક જ વાદળો છવાતાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા.

નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી ગયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. નવસારી શહેર, જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા હતા. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કેરી, લીંબુ અને ડાંગર જેવા પાકોને નુકસાન થવાની પણ સંભાવના જોવા મળી રહી છે. પવન સાથે વરસાદ આવતા મહદંશે ગરમીનો પારો ગગડવા લાગ્યો હતો.

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે પલટો આવી ગયો. ઉનાળુ પાકને નુકશાન થવાની સંભાવના જોવા મળી રહી છે. જિલ્લાના વ્યારા શહેર સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના જુદા જુદા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદી છાંટા આવ્યા હતા. દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં સવારે કમોસમી વરસાદી છાંટા આવ્યા હતા. જેના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.