પ્રતાપપુરામાં રાત્રે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી અને બાદમાં પ્રેમીએ ખુદ ગળા ઉપર કુહાડી મારીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

વાવ તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં ભાગેથી ખેતર વાવતાં રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા તાલુકાના ભાડો ગામના એક યુવકે તેની પ્રેમિકાને બાજરીના પાકમાં લઇ જઇ અને કુહાડીના ઘા મારીને કરુણ હત્યા કરી નાખી હતી. જે પછી પોતાની જાતે જ કુહાડીથી પોતાના ગળે ઘા મારીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વાવના પ્રતાપપુરા ગામે રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા તાલુકાના ભાડો ગામના હરજીભાઈ માજીરાણાનો પરિવાર લગભગ દસેક વર્ષથી ભાગિયા તરીકે ત્યાં રહે છે.

તેમનો પુત્ર લુભેશ માજીરાણાએ બે મહિના પહેલા બાજુના ખેતરમાં બાજરીનું વાવેતર કરેલું હતું ત્યાં મંગળવારની રાત્રે ખીમાણાવાસ ગામે અરજણભાઈ રબારીના ખેતરમાં ભાગીયા તરીકે રહેતા રાજસ્થાનના કાનાભાઈ માજીરાણાની પુત્રી લાશુબેનને બાજરીવાળા ખેતરમાં બોલાવવામાં આવી હતી. અને એક ખીજડાના ઝાડ નીચે ગળાના ભાગે કુહાડીના બે થી ત્રણ ઘા મારી કરુણ હત્યા કરી હતી. તેમજ લુભેશે પણ પોતાની જાતને જ ગળાના ભાગે કુહાડી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેને ૧૦૮ મારફતે સારવાર અર્થે થરાદ અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવતીના મૃતદેહને વાવ રેફરલ ખાતે પી એમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી લીધી હતી. પોલીસને ઘટના સ્થળેથી જ કુહાડી લોહીના ડાગ સાથે બે મોબાઈલ, પાણીની બોટલ, યુવકના ચપ્પલ મળી આવ્યા હતા. ખીમાણાવાસ સીમમાં બે યુવકો બાઈક લઈ અને યુવતીને લેવા માટે આવ્યા હતા.

ખીમાણાવાસ ગામના અરજણભાઈ રબારીએ એવું જણાવ્યું હતું કે મંગળવારના રોજ સવારે આખો દિવસ ખેતી કામ કરી અને રાત્રે આઠ વાગે લાશુબેન રસોઇ બનાવવા ગયેલી હતી. પછી તે ત્યાં જોવા ન મળતા તપાસ કરતા ખેતરે બાઈકના ટાયર અને બે વ્યક્તિઓના પગના નિશાન જોવા મળ્યા હતા. તેને ઢાંકી દેવામાં આવ્યા છે. બે શખ્સો તેણીને બાઈક પર બેસાડી લઈ ગયા હોવાની આશંકા સેવાઇ રહી હતી.

યુવકે જ યુવતીની હત્યા કરી અને પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ અંગે ઇન્ચાર્જ પી એસ આઈ કે. જી. પરમારે એવું જણાવ્યું હતું કે, પ્રતાપપુરા ગામે પ્રાથમિક તપાસમાં યુવકે યુવતીની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો તેવું જણાઈ આવે છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં અવી છે. રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા તાલુકાના અરટી ગામના લાશુબેનના પિતા કાંનાભાઈ માજીરાણા યુવક લુભેશના પિતા હરજીભાઈ માજીરાણા સંબંધમાં તેમના કૌટુમ્બિક ભાણેજ થતાં હતા.

જે નાતે યુવક – યુવતી પણ કૌટુમ્બિક ભાઇ- બહેન જ થતાં હતા. આથી યુવકે તેણીને પામી શકાશે નહી તેમ વિચારી તેણીની હત્યા કરી નાખી હતી. અને પછી જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકના પિતાએ એવું જણાવ્યું હતું કે, એક દિવસ પછી લુભેશના લગ્ન પણ નક્કી થઇ ગયેલા હતા. જેની જાન રાજસ્થાનના હાથલા ગામે જવાની હતી. જ્યારે યુવતીના પણ દસ દિવસ પછી લગ્ન નક્કી હતા. યુવતી લગ્નના કપડા પહેરીને જ ખેતરમાં મળવા ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published.