અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન, જાણો કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો

કેરળથી વાત કરીએ તો મુંબઈ તેમજ ગોવાના કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી આગળ વધતી જોવા મળી છે. આવનારા ૨૪ કલાક ની વાત કરીએ તો, હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેને લઇને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

પ્રિમોન્સૂન એક્ટિવિટી તેને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર,અરવલ્લી, મહેસાણા-પાટણ તેમજ સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેમજ રવિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ગરમીનો માહોલ ઓછો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.

જો અમદાવાદ શહેરની વાત કરીએ તો મોડી રાત્રે મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી હતી. જેને લઇને શહેરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં વરસાદ વરસવાને લીધે અમદાવાદ એરપોર્ટ પર પાણી પાણી થઈ ગયું હતું તેમજ ટર્મિનલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેનો નિકાલ કરતાં સફાઈ કર્મચારીઓ જોવા મળી રહ્યા હતા. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.

અમદાવાદના ઘોડાસર, નારોલ,ઇસનપુર વસ્ત્રાલ, એસ જી હાઈવે,ગોતા, બોડકદેવ અને ઘાટલોડિયા સહિતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો હતો. ગાંધીનગરમાં પણ સાંજ બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો જેને લઇને કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ શહેરીજનો આનંદમાં આવી ગયા હતા. લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યો હતો.

પાલનપુરમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. પાલનપુરમાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ, નગરપાલિકા તેમજ બ્રાહ્મણ સમાજની વાડી સહિતના વિસ્તારોમાં ભરાઈ ગયા હતા. જેથી કરીને લોકોને આવા જવામાં ખૂબ જ તકલીફ પડી હતી. પ્રથમ વરસાદે જ ઘણા બધા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇને પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચા કર્યા હતા તેની પોલ છતી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *